janhavi kapoor: ‘દેવરા’ (Devara) ફિલ્મનાં એક ગીત સાથે છેડછાડ કરીને બનાવવામાં આવેલા AI ડીપફેક વીડિયોમાં જ્હાન્વી કપૂર અને જુનિયર NTRને અશ્લીલ રીતે દર્શાવવામાં આવ્યા હતા. જુનિયર NTRએ અગાઉ આ અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને હવે જ્હાન્વી કપૂરે પણ આ મામલે મૌન તોડ્યું છે. ફિલ્મ ‘દેવરા: પાર્ટ 1’ના ‘ચુટ્ટામાલે’ (Chuttamalle) ગીતના AI ડીપફેક વર્ઝનને લઈને ભારે હોબાળો મચી ગયો છે. અભિનેતા જુનિયર NTRએ શરૂઆતમાં જ આ વાંધાજનક વીડિયો ક્લિપ સામે વાંધો ઉઠાવ્યો હતો અને AIના આવા અશ્લીલ ઉપયોગ સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હતી. જુનિયર NTR બાદ વિજય દેવેરાકોંડા અને ચિરંજીવી જેવા દિગ્ગજ સ્ટાર્સે પણ આ ડીપફેક ક્લિપ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. હવે, વિવાદ શરૂ થયાના એક દિવસ બાદ અભિનેત્રી જ્હાન્વી કપૂરે પણ મૌન તોડ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિસ્તૃત નિવેદન જાહેર કર્યું, જેમાં મહિલાઓ સાથે જોડાયેલા ડીપફેક AI વીડિયો સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી. તેણે મહિલાઓને સંડોવતા આવા ‘બિન-સંમતિપૂર્ણ’ (મહિલાની મંજૂરી વિનાના) કન્ટેન્ટના નિર્માણને જાતીય સતામણી સમાન ગણાવ્યું.
પોતાના નિવેદનમાં જ્હાન્વી કપૂરે લખ્યું, “મહિલાઓને માત્ર ભોગવસ્તુ (object) તરીકે રજૂ કરવા અને તેમની સંમતિ વિના ખોટી, ગેરમાર્ગે દોરનારી સામગ્રી ફેલાવવા માટે ટેક્નોલોજીનો ગુનાહિત ઉપયોગ કરવો એ અત્યંત અપમાનજનક છે અને તે જાતીય સતામણી સમાન છે. મારી ઇન્ડસ્ટ્રીની લગભગ દરેક મહિલાએ કોઈને કોઈ સ્વરૂપે આનો સામનો કર્યો છે અને સર્વત્ર મહિલાઓ સતત તેનો ભોગ બની રહી છે. સંમતિ, પસંદગી અને મહિલાના શરીર પ્રત્યેનો આદર એ સૌથી પાયાના માનવીય મૂલ્યો હોવા જોઈએ; તેમ છતાં, કોઈક રીતે, તેને હજુ પણ જટિલ મુદ્દાઓ તરીકે જોવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં તે જટિલ નથી.” “ના એટલે ના” (No Means No)
મહિલા દ્વારા ‘ના’ કહેવાના મહત્વ પર ભાર મૂકતા જ્હાન્વી કપૂર લખે છે કે એ આશ્ચર્યજનક છે કે કેટલાક લોકો માટે એ સમજવું કેટલું મુશ્કેલ છે કે જો કોઈ મહિલા સતત પાંચ દિવસ ‘હા’ કહે અને છઠ્ઠા દિવસે ‘ના’ કહે, તો તે ‘ના’નો આદર થવો જ જોઈએ.
પાપારાઝીના વાંધાજનક કેમેરા એંગલ્સ વિશે તેણે શું કહ્યું?
પોતાના નિવેદનમાં તેણે પાપારાઝી સંબંધિત મુદ્દા તરફ પણ ધ્યાન દોર્યું. મહિલાઓના ફોટા અયોગ્ય એંગલથી લેવા અંગે વારંવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ બાબત પર વાત કરતા તેમણે લખ્યું, “જો કોઈ સ્ત્રી મિનિસ્કર્ટ પહેરે છે, તો તેનો અર્થ એ નથી કે કોઈને તેની નીચે કેમેરા મૂકવાની, અયોગ્ય ખૂણાથી તસવીર લેવાની કે દ્રશ્યો દ્વારા તેને પરેશાન કરવાની છૂટ મળી જાય છે. સ્ત્રીને એ નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે કે તેને શેમાં સહજતા અનુભવાય છે, તેની મર્યાદાઓ ક્યાં છે અને તે પોતાના શરીર સાથે શું કરવા માંગે છે. આ એક પાયાનો સિદ્ધાંત છે.”
જાહ્નવીએ આગળ લખ્યું, “તાજેતરના દિવસોમાં મેં જે AI વીડિયો જોયા છે તે આના કરતાં ક્યાંય આગળની વાત છે—અથવા તો મારી કારકિર્દી દરમિયાન મેં વ્યક્તિગત રીતે જે અનુભવ્યું છે તેના કરતાં પણ વધુ ગંભીર છે. આ વાત સ્ત્રી હોવાની વ્યાપક વાસ્તવિકતા વિશે છે: લોકોની નજર, લોકો દ્વારા થતી ટીકા કે નિર્ણય, સુરક્ષા માટેનો સતત સંઘર્ષ અને એ વાતનો અહેસાસ કે કોઈ પણ વ્યક્તિ તમારી મર્યાદાઓનો અર્થ પોતાની અનુકૂળતા મુજબ કાઢી શકે છે.” તેમણે એ પણ નોંધ્યું છે કે આ ખતરો હવે ડિજિટલ ક્ષેત્ર સુધી વિસ્તર્યો છે, જ્યારે આપણે હજુ સુધી એ વાસ્તવિક, ભૌતિક ભયનો યોગ્ય રીતે સામનો કરી શક્યા નથી જે દરરોજ સ્ત્રીઓના જીવનને અસર કરે છે. જાહ્નવી લખે છે, “આનો જવાબ માત્ર ‘તમારી દીકરીનું રક્ષણ કરો’ એટલો જ ન હોઈ શકે. સૌથી પહેલાં, આપણે એ સામાજિક વાતાવરણ બદલવાની જરૂર છે જ્યાં લોકોને બીજાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો અધિકાર હોય તેવું લાગે છે. અને આ પરિવર્તનની શરૂઆત એવા પુરુષોથી થશે જેઓ નૈતિક મૂલ્યો ધરાવે છે અને સાચાને ‘સાચું’ તથા ખોટાને ‘ખોટું’ કહેવાની હિંમત રાખે છે.”




