Pilot: ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઈટના કોકપિટમાં ભારતીય કેપ્ટન અને કો-પાઈલટ વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીની ઘટનામાં, કેપ્ટનની ઓળખ સ્મિત મચર તરીકે થઈ છે. તેમણે લગભગ ૧૮૦ મુસાફરોનો જીવ બચાવ્યો હતો.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ કોકપિટમાં થયેલી હિંસક ઝપાઝપી બાદ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી. ઈઝરાયેલે પુષ્ટિ કરી છે કે આ ઘટના હાઈજેકિંગની નહોતી. બુધવારે, ઈઝરાયેલી સમાચાર વેબસાઈટ ‘વાયનેટ’ (Ynet)એ અહેવાલ આપ્યો હતો કે ફ્લાયદુબઈ ફ્લાઈટના ભારતીય કેપ્ટન સ્મિત મચરની કોકપિટની અંદર તેમના કો-પાઈલટ સાથે હિંસક ઝપાઝપી થઈ હતી. આ ઘટનાને કારણે વિમાનનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
અધિકારીઓને ટાંકીને ઈઝરાયેલી વેબસાઈટે અહેવાલ આપ્યો છે કે કો-પાઈલટ ઓમાનનો નાગરિક હતો અને તેના પર વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કરવાનો શંકાસ્પદ આરોપ હતો. અહેવાલ મુજબ, ભારતીય કેપ્ટને ક્રેશ અટકાવવા માટે તેની સાથે સંઘર્ષ કર્યો હતો અને બાદમાં ઈઝરાયેલી મુસાફરોએ કો-પાઈલટને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. દરમિયાન, તબુક એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં બંને પાઈલટ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફ્લાઈટમાં ૧૮૦ મુસાફરો સવાર હતા
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073એ ઈમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા અને ઝડપથી ઊંચાઈ ગુમાવી હતી, ત્યારબાદ તેને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવી હતી. ફ્લાયદુબઈએ પુષ્ટિ કરી છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે. શરૂઆતમાં, ઈઝરાયેલી અધિકારીઓને હાઈજેકિંગની શંકા હતી અને તેના જવાબમાં ફાઈટર જેટ તૈનાત કર્યા હતા. એરલાઈનનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે.
ફ્લાયદુબઈના જણાવ્યા અનુસાર, ઘટના પાછળનું કારણ અને ઈરાદો હજુ સ્પષ્ટ નથી. આ બાબતે હાલમાં સત્તાવાર તપાસ ચાલી રહી છે. એરલાઈને સૌને અપીલ કરી છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકળો કરવાનું ટાળે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનાની અસર તેની અન્ય ફ્લાઈટ્સના સંચાલન પર પડી નથી.
આ ઘટના વિશે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ શું કહ્યું? ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો નિવેદન બહાર પાડીને કહ્યું, “વિમાનમાં સવાર લગભગ તમામ મુસાફરો ઇઝરાયેલી હતા. ઉડાન દરમિયાન, જ્યારે વિમાન ઇઝરાયેલની નજીક પહોંચી રહ્યું હતું, ત્યારે એક પાઇલટે બીજા પાઇલટ પર છરી વડે હુમલો કર્યો; એવું જણાય છે કે તે વિમાનમાં સવાર તમામ લોકો સાથે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.”




