indonesia: ખરાબ હવામાન વચ્ચે મુસાફરોને લઈ જતી એક ફેરી પલટી જતાં ઇન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે જાવા સમુદ્રમાં બનેલી આ ઘટના બાદ અંદાજે ૧૪૦ મુસાફરો અને ક્રૂ સભ્યો લાપતા હોવાના અહેવાલ છે. જહાજમાં ૨૪૦થી વધુ લોકો સવાર હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૧૦૨ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક મુસાફરનો મૃતદેહ મળી આવ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફેરી પૂર્વ જાવાથી દક્ષિણ કાલીમંતન પ્રાંત તરફ જઈ રહી હતી. જહાજના કેપ્ટને અગાઉ સમુદ્રની પ્રતિકૂળ સ્થિતિ અને લગભગ ૧૦ ફૂટ ઊંચા મોજાં વિશે જાણ કરી હતી. ત્યારબાદ, તેમણે એક ઈમરજન્સી સંદેશ મોકલ્યો હતો જેમાં જણાવાયું હતું કે જહાજ એક તરફ નમી રહ્યું છે. તેના થોડા સમય બાદ અધિકારીઓને જહાજ પલટી ગયાના સમાચાર મળ્યા.

દુર્ઘટનાના સમાચાર બે કલાક બાદ મળ્યા
દક્ષિણ કાલીમંતનના બંજારમાસિનમાં આવેલી બચાવ એજન્સીને રવિવારે વહેલી સવારે – લગભગ ૨:૦૦ વાગ્યે – જાણ કરવામાં આવી હતી કે ‘વર્ગો ટ્રાન્સપોર્ટ ૮’ (Virgo Transport 8) સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક તૂટવા અંગેનો પ્રાથમિક અહેવાલ મળ્યાના લગભગ બે કલાક બાદ દુર્ઘટનાની જાણકારી મળી હતી. આ જહાજ શનિવારે સવારે ૧૦:૩૩ વાગ્યે ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાથી રવાના થયું હતું. તે રવિવારે બપોરે ૨:૦૦ વાગ્યાની આસપાસ બોર્નિયો ટાપુ પર આવેલા બંજારમાસિન પહોંચવાનું હતું. જાપાનમાં નિર્મિત ‘વર્ગો ટ્રાન્સપોર્ટ ૮’ને મુસાફરોની સાથે વાહનોની હેરફેર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

જહાજમાં ૨૪૩ લોકો સવાર હોવાની માહિતી
પ્રાથમિક માહિતી મુજબ, જહાજનું છેલ્લું જાણીતું સ્થાન જાવા સમુદ્રમાં હતું, જે બંજારમાસિનના બંદરથી લગભગ ૧૪૮ કિલોમીટર દૂર હતું. જહાજની મુસાફર યાદી (મેનિફેસ્ટ) મુજબ તેમાં કુલ ૨૪૩ લોકો સવાર હતા, જેમાં ૨૧૩ મુસાફરો અને ૩૦ ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો. જોકે, અધિકારીઓએ નોંધ્યું હતું કે ઇન્ડોનેશિયામાં ઘણીવાર મુસાફર યાદીમાં નોંધાયેલ સંખ્યા અને જહાજમાં સવાર વાસ્તવિક લોકોની સંખ્યા વચ્ચે તફાવત જોવા મળે છે. બચાવ કામગીરીમાં અનેક ટીમો જોડાયેલી છે.
શોધ અને બચાવ કાર્યાલયના વડા આઈ પુતુ સુદાયનાના જણાવ્યા અનુસાર, ઘટનાના સમાચાર મળતા જ ફેરીના છેલ્લા જાણીતા સ્થાન પર એક બચાવ જહાજ રવાના કરવામાં આવ્યું હતું. જહાજ પર સવાર લોકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ કામગીરી માટે ઉપલબ્ધ સંસાધનો અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

રવિવાર બપોર સુધીમાં, નજીકના ટગબોટ્સ અને અન્ય જહાજોની મદદથી બચાવ ટીમોએ ૧૦૨ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. એક મૃતદેહ પણ મળી આવ્યો હતો. અધિકારીઓ આ વિસ્તારમાં હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને દરિયાઈ તથા અન્ય સંબંધિત એજન્સીઓના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. ઈન્ડોનેશિયા ૧૭,૦૦૦થી વધુ ટાપુઓનો બનેલો દેશ છે, જ્યાં ટાપુઓ વચ્ચે અવરજવર માટે ફેરી એ પરિવહનનું સામાન્ય સાધન છે. જોકે, ત્યાં વારંવાર દરિયાઈ અકસ્માતો થતા રહે છે, જેનું મુખ્ય કારણ ઘણીવાર અપૂરતી સુરક્ષા વ્યવસ્થાઓ માનવામાં આવે છે.