Imran Khedawala News: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ‘વંદે માતરમ’ ગાવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ સર્જાયો છે. ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય Imran Khedawala પર વંદે માતરમના સન્માનમાં ઉભા ન રહેવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ખેડાવાલાએ આ આરોપોને ફગાવી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, વંદે માતરમ શરૂ થયું ત્યારે તેઓ ઉભા હતા અને ગીતની 1937માં પ્રચલિત રહેલી પંક્તિઓનું તેઓ સન્માન કરે છે. તેમના જણાવ્યા અનુસાર, ત્યારબાદ નવી ઉમેરાયેલી પંક્તિઓ શરૂ થતાં તેઓ બેઠા હતા. તેમણે આને પોતાનું વ્યક્તિગત વલણ ગણાવ્યું હતું.

Imran Khedawalaએ કહ્યું કે તેમની દેશ અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે. તેમણે સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ પણ દેશ અને બંધારણ માટે પ્રતિબદ્ધ છે. સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે કોઈને દેશભક્તિના પ્રમાણપત્ર આપવાનો અધિકાર ભાજપને નથી.

ભાજપે કાર્યવાહી કરવાની માંગ કરી

ભાજપના મંત્રી પ્રવીણ માલીએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. તેમણે વંદે માતરમ દરમિયાન ઉભા ન રહેવાને સંસદીય પરંપરાનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે આ ભારત માતા, દેશ અને લોકશાહી વ્યવસ્થાનું અપમાન છે.

પ્રવીણ માલીએ આ મામલે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરીને બંધારણીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવાની વાત કરી હતી. તેમણે કોંગ્રેસ પાસે પણ સ્પષ્ટતા માંગી હતી કે ખેડાવાલાનું વલણ વ્યક્તિગત છે કે પક્ષનું સમર્થન છે.

કિરીટ પટેલે કર્યો ખેડાવાલાનો બચાવ

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ઇમરાન ખેડાવાલા પાછળ બેઠા હતા અને વંદે માતરમ ગાતી વખતે ઉભા થયા હતા. તેમણે ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યો સામે ખોટા આરોપો લગાવવાનો આક્ષેપ કર્યો હતો.

1937ના સંસ્કરણને લઈને કોંગ્રેસનું વલણ

વંદે માતરમને લઈને કોંગ્રેસ અગાઉથી 1937ના સંસ્કરણનું પાલન કરવાની વાત કરી ચૂકી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, પાર્ટી કાર્યકારી સમિતિના ઠરાવ અનુસાર વંદે માતરમની ફક્ત બે પંક્તિઓ ગાવામાં આવશે.

આ જ મુદ્દાને આધાર બનાવીને ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે તેઓ અત્યાર સુધી ગવાતી પંક્તિઓનું સન્માન કરે છે, જ્યારે નવી ઉમેરાયેલી પંક્તિ દરમિયાન બેસવું તેમનો વ્યક્તિગત નિર્ણય છે.

આ સમગ્ર મામલે ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ, દેશભક્તિ અને સંસદીય પરંપરાઓને લઈને ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ વધુ ઘેરો બન્યો છે.