Prantij Crime News: ગુજરાતના પ્રાંતિજ તાલુકામાં IIFL ફાઇનાન્સના મેનેજરની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. માણસા શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભરત ચૌધરી 2 સપ્ટેમ્બરના રોજ અચાનક ગુમ થયા હતા. બે દિવસ બાદ તેમની લાશ લીમલા ગામ નજીક એક કારમાંથી મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ તપાસ અને કોલ ડિટેલ્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના જણાવ્યા અનુસાર, ભરત ચૌધરીનો મૃતદેહ લીમલા ગામથી વડવાસા તરફ જતા રસ્તા પર કારમાંથી મળી આવ્યો હતો. મૃતકના ગળા પર તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા.

કોલ ડિટેલ્સના આધારે પ્રેમી યુગલ સુધી પહોંચી પોલીસ

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેલ્સના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન ભાવના ઉર્ફે ભાવુ ઠાકોર અને તેના પ્રેમી યોગેશ ઠાકોરના નામ સામે આવ્યા હતા. પોલીસે ભાવનાને અટકાયત કરી પૂછપરછ કરતાં સમગ્ર હત્યા કાવતરાનો ખુલાસો થયો હતો.

6 લાખ રૂપિયાના દેવાના કારણે હત્યાનું કાવતરું

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભાવનાએ IIFL ફાઇનાન્સમાંથી ₹1.50 લાખની લોન લીધી હતી, જ્યારે તેના પ્રેમી યોગેશે પણ આ જ કંપની પાસેથી ₹4.50 લાખની લોન લીધી હતી. બંને પર મળીને કુલ ₹6 લાખનું દેવું હતું.

લોનના હપ્તા ચૂકવવામાંથી બચવા અને IIFL પાસે ગીરવે મૂકેલા સોનાના દાગીના પરત મેળવવાના ઇરાદે બંનેએ મેનેજર ભરત ચૌધરીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પૈસા આપવાના બહાને મેનેજરને પ્રાંતિજ બોલાવ્યો

કાવતરાના ભાગરૂપે ભાવનાએ ભરત ચૌધરીને ફોન કર્યો હતો અને પૈસા આપવાના બહાને તેમને પ્રાંતિજ બોલાવ્યા હતા. ત્યારબાદ યોગેશે ભરતને પોતાની કારમાં બેસાડ્યા હતા.

કાર વડવાસ તરફ પહોંચી ત્યારે યોગેશે તીક્ષ્ણ હથિયાર વડે ભરત ચૌધરીના ગળા પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું હતું.

લાશનો નિકાલ કરવા જતા કાર ખાડામાં ફસાઈ

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભરતની લાશ અને કારને લીમલા તરફ લઈ ગયા હતા. લાશને નિર્જન સ્થળે ફેંકી દેવાનો અને કાર ત્યાં જ છોડી દેવાનો તેમનો ઇરાદો હતો.

જોકે, કારને રિવર્સ કરતી વખતે તે રસ્તાની બાજુના ખાડામાં ફસાઈ ગઈ હતી. અનેક પ્રયાસો છતાં કાર બહાર ન નીકળતાં બંને આરોપીઓ ગભરાઈ ગયા હતા. પોલીસ પકડી લે તેવી બીકે તેઓ લાશ અને કારને ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયા હતા.

ભાવનાની ધરપકડ, યોગેશ હજુ ફરાર

પોલીસના જણાવ્યા પ્રમાણે, ભાવના અને યોગેશ છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. હાલ પોલીસે ભાવના ઉર્ફે ભાવુ ઠાકોરની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી યોગેશ ઠાકોર ફરાર છે.

પોલીસે યોગેશને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.