Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં રાખવાના મામલે ગુજરાત કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે RTI મારફતે સામે આવેલી વિગતોનો ઉલ્લેખ કરી સમગ્ર ગુજરાતમાં નિવૃત્ત કર્મચારીઓની પુનઃનિયુક્તિ અંગે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા 210થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે વર્ષ 2015થી અત્યાર સુધીનો સમગ્ર આંકડો જોવામાં આવે તો અમદાવાદમાં જ એક હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ કોઈને કોઈ સ્વરૂપે કોર્પોરેશન સાથે કામગીરી કરી રહ્યા હોઈ શકે છે.

2015માં નિવૃત્ત થયેલા અધિકારીઓ હજુ પણ કામગીરીમાં હોવાનો દાવો

હેમાંગ રાવલે જણાવ્યું કે કેટલાક કિસ્સાઓમાં 2015માં નિવૃત્ત થયેલા અધિકારીઓ વર્ષ 2026માં પણ કોર્પોરેશનમાં કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ હોય તો રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, બોર્ડ-નિગમો અને સરકારી વિભાગોમાં સ્થિતિ શું હશે તે અંગે પણ તપાસ જરૂરી છે.

કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર ગુજરાતમાં 10 હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્તિ બાદ કોઈને કોઈ સ્વરૂપે સરકારી વ્યવસ્થામાં કાર્યરત હોઈ શકે છે. જોકે, કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ સત્તાવાર આંકડો નથી અને સમગ્ર રાજ્યનો વિભાગવાર તથા સંસ્થાવાર ડેટા જાહેર થયા બાદ જ વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

પુનઃનિયુક્તિ કયા નિયમ અને મંજૂરીથી?

કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ કોઈ કર્મચારી કે અધિકારીને ફરીથી નોકરી આપવાની જરૂરિયાત શા માટે ઊભી થાય છે અને આવી નિમણૂક કયા નિયમ, ઠરાવ તથા મંજૂરીના આધારે કરવામાં આવે છે?

કોંગ્રેસના મતે વિશેષ અનુભવ કે નિષ્ણાત સેવાની જરૂરિયાત હોય તો ચોક્કસ સમયમર્યાદા અને સ્પષ્ટ કારણ સાથે નિવૃત્ત કર્મચારીની સેવા લઈ શકાય, પરંતુ વર્ષો સુધી એ જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ પર રાખવાની વ્યવસ્થા કાયમી ભરતીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાય તો તે ગંભીર બાબત બની શકે છે.

પગાર નક્કી કરવાની અલગ-અલગ પદ્ધતિ સામે સવાલ

નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા કર્મચારીઓના પગારને લઈને પણ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ કેટલાક કર્મચારીઓને ફિક્સ પગાર, કેટલાકને છેલ્લા બેઝિક પગારના આશરે 35 ટકા મુજબ અને કેટલાક કિસ્સામાં ‘પે માઇનસ પેન્શન’ પદ્ધતિથી વેતન આપવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે.

કોંગ્રેસે સવાલ કર્યો છે કે એક જ સંસ્થામાં નિવૃત્ત કર્મચારીઓ માટે વેતન નક્કી કરવાની અલગ-અલગ પદ્ધતિ કેમ છે અને કયા કર્મચારીને કઈ પદ્ધતિથી પગાર આપવો તેનો નિર્ણય કયા નિયમ હેઠળ અને કોની મંજૂરીથી લેવાય છે?

પગાર ઉપરાંત સરકારી સુવિધાઓનો પણ મુદ્દો

કોંગ્રેસનો વધુ એક આરોપ છે કે કેટલાક નિવૃત્ત અધિકારીઓને પુનઃનિયુક્તિ બાદ સરકારી વાહન, ડ્રાઇવર, રહેઠાણ, પટાવાળા અને મોબાઈલ જેવી વિવિધ સુવિધાઓ પણ મળતી હોવાની માહિતી સામે આવી છે.

જો આ બાબત સાચી હોય તો માત્ર પગાર નહીં પરંતુ એક નિવૃત્ત અધિકારીને ફરીથી નોકરી પર રાખવા પાછળ સરકાર અથવા કોર્પોરેશનનો કુલ ખર્ચ કેટલો થાય છે તેની પણ ગણતરી થવી જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી છે.

₹18,500 કરોડના AMC બજેટનો ઉલ્લેખ

કોંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે ₹18,500 કરોડના બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આટલા મોટા વહીવટી માળખામાં નિવૃત્ત કર્મચારીઓ પર નિર્ભર રહેવાને બદલે નિયમિત કર્મચારીઓને પ્રમોશન અને જરૂરી જગ્યાઓ પર નવી ભરતી કરવી જોઈએ.

કોંગ્રેસે ખાસ કરીને ગુજરાતના બેરોજગાર યુવાનોનો મુદ્દો ઉઠાવી કહ્યું કે એક તરફ યુવાનો સરકારી નોકરી માટે વર્ષો સુધી તૈયારી કરે છે અને ભરતીની રાહ જુએ છે, જ્યારે બીજી તરફ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી લાંબા સમય સુધી કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે.

10 વર્ષમાં ₹200 કરોડથી વધુ ખર્ચ થયાની કોંગ્રેસની આશંકા

કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે છેલ્લા દસ વર્ષમાં માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ નિવૃત્તિ બાદ ફરીથી નોકરી પર રાખવામાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓના પગાર તથા અન્ય સુવિધાઓ પાછળ અંદાજે ₹200 કરોડથી વધુનો ખર્ચ થયો હોઈ શકે છે.

કોંગ્રેસે આ આંકડાની સત્યતા ચકાસવા માટે વર્ષવાર, કર્મચારીવાર અને વિભાગવાર ખર્ચ જાહેર કરીને વિશેષ ઓડિટ કરાવવાની માંગ કરી છે.

સમગ્ર ગુજરાતનો ડેટા જાહેર કરવાની માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે છેલ્લા દસ વર્ષમાં તમામ સરકારી વિભાગો, બોર્ડ-નિગમો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય સરકારી સંસ્થાઓમાં નિવૃત્તિ બાદ ફરીથી નોકરી, કોન્ટ્રાક્ટ, સલાહકાર અથવા અન્ય કોઈ સ્વરૂપે કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાની માંગ કરી છે.

આ સાથે તેમને કયા નિયમ અને મંજૂરી હેઠળ ફરીથી રાખવામાં આવ્યા, કેટલો પગાર ચૂકવાયો અને પગાર ઉપરાંત કઈ સરકારી સુવિધાઓ આપવામાં આવી તેની વિગતો પણ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

‘ગુજરાતના યુવાનોને નોકરી જોઈએ, મહેરબાની નહીં’

કોંગ્રેસે કહ્યું કે નિવૃત્ત કર્મચારીનો અનુભવ જરૂરી હોય ત્યારે નિયમસર લેવો અલગ બાબત છે, પરંતુ નિવૃત્તિ બાદ વર્ષો સુધી કોન્ટ્રાક્ટ લંબાવવાની પ્રથા જો નિયમિત ભરતીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતી હોય તો તેની સમીક્ષા થવી જોઈએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર રાજ્યમાં નિવૃત્ત કર્મચારીઓની પુનઃનિયુક્તિની તપાસ કરવામાં આવે, નિયમવિરુદ્ધ અથવા મનસ્વી નિમણૂકોની સમીક્ષા કરવામાં આવે, જાહેર નાણાંમાંથી થયેલા ખર્ચનો હિસાબ જનતા સમક્ષ મૂકવામાં આવે અને ખાસ જાહેરહિતની જરૂરિયાત સાબિત ન થાય ત્યાં સુધી વર્ષો સુધી કોન્ટ્રાક્ટ લંબાવવાની પ્રથા બંધ કરવામાં આવે.

કોંગ્રેસે અંતમાં કહ્યું કે “ગુજરાતના યુવાનો નોકરી માંગે છે, કોઈની મહેરબાની નહીં.” નિવૃત્ત કર્મચારીઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી શકાય તો એ જ નાણાંનો ઉપયોગ નવી ભરતી કરીને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં થવો જોઈએ.