Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ રેગ્યુલેટરી એડમિનિસ્ટ્રેશન (FDCA)ની સંયુક્ત ટીમે નકલી બ્લડ પ્રેશરની દવાઓના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા મોટા આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને ઉત્તર પ્રદેશના લખનૌમાં દરોડા પાડીને ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન નકલી દવાની 1,200 સ્ટ્રીપ્સ જપ્ત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલો 19 ઓગસ્ટે સામે આવ્યો હતો, જ્યારે J.B. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, GIDC અંકલેશ્વરે ગાંધીનગરના FDCA કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. કંપનીએ બજારમાં તેની બ્રાન્ડના નામે નકલી બ્લડ પ્રેશરની દવા વેચાતી હોવાની જાણ કરી હતી. આ અંગે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાને જાણ કરવામાં આવતા તેમણે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ કેસ અમદાવાદ પોલીસ કમિશનરને સોંપવામાં આવ્યો અને ક્રાઈમ બ્રાન્ચ તથા ડ્રગ્સ વિભાગે સંયુક્ત તપાસ શરૂ કરી.
તપાસ દરમિયાન અમદાવાદ, નડિયાદ અને કચ્છના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં નકલી દવાઓનો સ્ટોક મળી આવ્યો હતો. પાલડીની પાર્શ્વ મેડિકલ એજન્સીમાંથી દવાનો સપ્લાય થયો હોવાનું સામે આવ્યું હતું. નડિયાદના પટેલ બેકરી રોડ પર આવેલા કિસાન મેડિકલ સ્ટોરમાંથી પણ 30 સ્ટ્રીપ્સ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે ભુજની નવકાર મેડિકલ એજન્સી અને મહાદેવ મેડિકલ એજન્સીમાં પણ આ જ બેચની નકલી દવાઓ મળી આવી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે અમદાવાદમાં સપ્લાય થતો નકલી દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના લખનૌની સેના મેડિકલમાંથી મોકલવામાં આવતો હતો. જ્યારે કચ્છમાં મળેલો સ્ટોક જયપુરની એ.વી.આર. મેડિકો મારફતે સપ્લાય કરવામાં આવ્યો હતો. નકલી દવાઓના મુખ્ય ઉત્પાદકો સુધી પહોંચવા માટે અમદાવાદ, લખનૌ અને જયપુરમાં અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાંથી 39 વર્ષીય દર્શિલ સંઘવીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ તે અમદાવાદમાં જથ્થાબંધ દવાનો વેપારી હતો અને લખનૌથી નકલી દવાઓ મંગાવીને અમદાવાદ સહિત અન્ય શહેરોના સબ-ડિસ્ટ્રિબ્યુટર્સને વેચતો હતો. તેની સાથે લખનૌના બક્ષી કા તાલાબ વિસ્તારના દેવેન્દ્ર યાદવ અને રસ્તોગી ટોલાના ઉમંગ રસ્તોગીની પણ ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં આરોપ છે કે દેવેન્દ્ર યાદવ ભારે ડિસ્કાઉન્ટમાં નકલી દવાઓ ખરીદીને ગુજરાતમાં સપ્લાય કરતો હતો. જ્યારે ઉમંગ રસ્તોગી દવા ડીલરો પાસેથી જથ્થો મેળવીને ઊંચા ભાવે ગુજરાતમાં વેચતો અને બંને વચ્ચેના ભાવના તફાવતમાંથી મોટું કમિશન મેળવતો હતો. મહત્વનું છે કે દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની જૂન 2026માં મહારાષ્ટ્રના પુણેના વિશ્રામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નકલી દવાના કેસમાં પણ ધરપકડ થઈ ચૂકી હતી.
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે અત્યાર સુધીમાં 1,200 સ્ટ્રીપ્સ જપ્ત કરવામાં આવી છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નકલી દવાઓનું ઉત્પાદન ક્યાં કરવામાં આવતું હતું અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.




