Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામમાં રક્ષાબંધન પહેલા હૃદયદ્રાવક ઘટના બની છે. ઘરની પાછળ આવેલા મંદિરમાં દર્શન કરવા ગયેલા જયદીપ પઢિયારને અચાનક વીજકરંટ લાગ્યો હતો. તેમને બચાવવા માટે દોડી આવેલા મિત્તલ પઢિયાર પણ વીજકરંટની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં બંનેના મોત થતાં રેલેપુરા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાદરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. રક્ષાબંધનના તહેવાર પહેલા બનેલી આ ઘટનાથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
ફૂટબોલ રમતી વખતે 15 વર્ષના કિશોરને વીજકરંટ લાગ્યો
વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં પણ વીજકરંટ લાગવાથી 15 વર્ષના કિશોરનું મોત થયું છે. ન્યૂ એરા સ્કૂલના મેદાનમાં ફૂટબોલની પ્રેક્ટિસ દરમિયાન કિશોર વીજળીના થાંભલા પાસે પહોંચ્યો હતો. અચાનક તેને જોરદાર વીજકરંટ લાગ્યો અને તે જમીન પર ઢળી પડ્યો હતો.
મેદાનમાં હાજર લોકોએ તેને તાત્કાલિક SSG હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ફતેહગંજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મેદાનમાં વીજળીના થાંભલા અથવા વાયરથી કરંટ કેવી રીતે લાગ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિકોએ શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે.




