Ahmedabad News: અમદાવાદના બોપલ, આંબલી, ઘુમા અને શેલા વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને પત્ર લખીને આ સમસ્યાનો કાયમી અને સુનિયોજિત ઉકેલ લાવવા જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, તાજેતરના ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આશરે 18 ઇંચ વરસાદ બાદ બોપલ-આંબલી-ઘુમા-શેલા વિસ્તારમાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારોને વર્ષ 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ભૌગોલિક સ્થિતિ અને પૂરતી વરસાદી પાણીની ડ્રેનેજ વ્યવસ્થાના અભાવને કારણે ભારે વરસાદ દરમિયાન અહીં વારંવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમિત શાહે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને માત્ર તાત્કાલિક રાહત નહીં, પરંતુ લાંબા ગાળાનો કાયમી ઉકેલ શોધવા માટે સૂચના આપી છે.

અમિત શાહની સૂચના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર વિસ્તારનો હાઇડ્રોલોજિકલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝોનવાર વરસાદી પાણીના ડ્રેનેજ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં હાલમાં ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં નવા નેટવર્ક ઊભા કરવા, નવી પાઇપલાઇનો અને ડ્રેનેજ ચેનલો બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

AMCની લાંબા ગાળાની યોજનામાં ઇન્ટરકનેક્ટેડ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવા ઉપરાંત ગોતા-ગોધાવી નહેર અને સાબરમતી નદીના કિનારા સાથે ડ્રેનેજ વ્યવસ્થાને જોડવાનો પણ સમાવેશ થાય છે. પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોની ઓળખ કરીને જરૂરી પગલાં લેવામાં આવશે. તંત્રનો દાવો છે કે આ આયોજનબદ્ધ કામગીરીથી આગામી વર્ષોમાં બોપલ, આંબલી, ઘુમા અને શેલાના રહેવાસીઓને વારંવારની પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી રાહત મળી શકે છે.