Rajkot News: રાજકોટમાંથી સામે આવ્યો છે. જસદણના એક ખેડૂતને ફેસબુક પર મિત્રતા કરનાર ઘાનાની યુવતીએ ગિફ્ટ પાર્સલ મોકલવાના બહાને ₹6.31 લાખની સાયબર ઠગાઈનો ભોગ બનાવ્યો હતો. ફરિયાદ મળતા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી અને દિલ્હી-ગ્રેટર નોઈડામાંથી ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે.

ફેસબુકથી શરૂ થઈ ઠગાઈની રમત

પોલીસના જણાવ્યા અનુસાર, ખેડૂતે “મેરી એમ સેમ્યુઅલ” નામના ફેસબુક એકાઉન્ટ પરથી આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યારબાદ એક મહિલાએ ફોન કરીને પોતાને વિધવા અને એક પુત્રની માતા તરીકે ઓળખાવી હતી. તેણે ખેડૂત અને તેના પરિવાર માટે વિદેશથી મોંઘી ભેટ મોકલવાની વાત કરી અને પછી બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત શરૂ થઈ.

ગિફ્ટ પાર્સલના બહાને લાખોની વસૂલી

આરોપી જોસેફાઇન ઉર્ફે એન્જલે ખેડૂતને જણાવ્યું કે તેણે જર્મનીથી ગિફ્ટ પાર્સલ મોકલ્યું છે. થોડા સમય બાદ એક મહિલાએ દિલ્હી એરપોર્ટના કસ્ટમ અધિકારી તરીકે ફોન કરીને પાર્સલ છોડાવવા માટે કસ્ટમ ડ્યુટી ભરવાની માંગ કરી હતી.

ઠગોએ દાવો કર્યો કે પાર્સલમાં 30,000 યુરો રોકડ, સોનાની ચેન, લેપટોપ, મોંઘી ઘડિયાળ અને આઇફોન છે. ત્યારબાદ કસ્ટમ ડ્યુટી, ચલણ રૂપાંતર, પાર્સલ ક્લિયરન્સ સહિતના અલગ-અલગ બહાનાઓ હેઠળ ખેડૂત પાસેથી અનેક હપ્તામાં કુલ ₹6.31 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા.

શંકા જતાં નોંધાવી ફરિયાદ

રકમ ચૂકવ્યા બાદ પણ ખેડૂતને પાર્સલ મળ્યું નહીં અને આરોપીઓ વધુ પૈસાની માંગ કરતા રહ્યા. ત્યારબાદ ખેડૂતને છેતરપિંડીની શંકા જતાં તેણે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ટેકનિકલ તપાસથી ત્રણ વિદેશી નાગરિક ઝડપાયા

પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, મોબાઇલ નંબર, વોટ્સએપ ચેટ, બેંક ટ્રાન્ઝેક્શન અને IP લોગ સહિતના ડિજિટલ પુરાવાઓની તપાસ કરી. તપાસમાં સમગ્ર નેટવર્ક ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી સંચાલિત થતું હોવાનું સામે આવ્યું.

ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને ત્રણ વિદેશી નાગરિકોની ધરપકડ કરી. તેમની ઓળખ ઘાનાની જોસેફાઇન ઉર્ફે એન્જલ, તાંઝાનિયાના મેગેનજેલી ઇમાની ડેનિસ અને દક્ષિણ સુદાનના ફિલિપ બટિસ્ટા જોસેફ વેલેન્ટાઇન તરીકે થઈ છે.

15 બેંક ખાતા રડારમાં, તપાસનો વ્યાપ વધ્યો

સાયબર ક્રાઇમ ટીમે આ ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા 15 બેંક ખાતાઓની માહિતી મેળવી છે અને તેને ફ્રીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તપાસ એજન્સીઓ હવે આ ખાતાઓ મારફતે થયેલા અન્ય વ્યવહારો, સંભવિત પીડિતો અને સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

સમાપ્ત થયેલા વિઝા છતાં ભારતમાં રહેતા હતા આરોપીઓ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બે આરોપીઓ વિદ્યાર્થી વિઝા પર જ્યારે એક વ્યક્તિ ટૂંકા ગાળાના વિઝા પર ભારતમાં આવ્યો હતો. ત્રણેયના વિઝાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ ભારતમાં રહેતા હતા. પોલીસને શંકા છે કે સાયબર ઠગાઈ દ્વારા મળતા નાણાંના આધારે તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

રાજકોટ સાયબર ક્રાઇમ ટીમ હવે આરોપીઓના ડિજિટલ નેટવર્ક, બેંકિંગ વ્યવહારો અને દેશભરમાં અન્ય લોકો સાથેના સંબંધોની પણ તપાસ કરી રહી છે.