Morbi News: ગુજરાતના મોરબી જિલ્લાના વીરપાડા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખેતરની વચ્ચે આવેલા એક કૂવામાં પાણી કોઈ બાહ્ય કારણ વિના દરિયાના મોજાંની જેમ ફરતું જોવા મળે છે. આસપાસ કોઈ મશીનરી કે ભારે વાહન ન હોવા છતાં પાણીમાં સતત લહેરો દેખાતા ગ્રામજનોમાં આશ્ચર્ય અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. કેટલાક લોકોએ તેને અશુભ સંકેત ગણાવ્યો તો કેટલાકે ભૂકંપની આશંકા વ્યક્ત કરી.

ખેડૂતો જ્યારે રોજની જેમ ખેતરમાં પહોંચ્યા ત્યારે તેમણે કૂવામાં પાણી ઝડપથી ફરતું જોયું. શરૂઆતમાં લોકોને લાગ્યું કે કદાચ કૂવામાં કોઈ પ્રાણી પડ્યું હશે અથવા અંદર મોટર ચાલી રહી હશે, પરંતુ તપાસ કરતાં એવું કોઈ કારણ મળ્યું નહીં. ત્યારબાદ લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો.

આ ઘટનાને લઈને વૈજ્ઞાનિક ધનંજયભાઈ રાવલે જણાવ્યું કે કૂવામાં પાણીની લહેરોનું સંભવિત કારણ જમીનની અંદર થયેલી અત્યંત સૂક્ષ્મ ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ અથવા હળવો આફ્ટરશોક હોઈ શકે છે. મોરબી વિસ્તાર ફોલ્ટ લાઇનની નજીક હોવાથી જમીનની ખૂબ નાની હિલચાલ પણ કૂવામાં બંધાયેલા પાણીમાં સ્પષ્ટ અસર પેદા કરી શકે છે. આવા કંપન સામાન્ય લોકોને અનુભવાય નહીં, પરંતુ પાણીમાં તરંગો સર્જી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ દરેક પાણીના સ્ત્રોતની રચના અને ઊંડાઈ અલગ હોય છે. મોટા તળાવો કે જળાશયોમાં આવી અસર સ્પષ્ટ દેખાતી નથી, જ્યારે કૂવામાં પાણી મર્યાદિત જગ્યામાં હોવાથી દિવાલો સાથે અથડાઈને લહેરો લાંબા સમય સુધી ચાલુ રહે છે. તેથી માત્ર એક જ કૂવામાં આ પ્રકારની ઘટના જોવા મળી હોવાનું તેઓ કહે છે.

ધનંજયભાઈ રાવલે આ ઘટનાને પાણી ભરેલા ગ્લાસના ઉદાહરણથી સમજાવી હતી. જેમ ગ્લાસને એકવાર હલાવ્યા પછી પાણી થોડો સમય સુધી હલતું રહે છે, તેવી જ રીતે કૂવામાં પણ જમીનની નાની હિલચાલ બાદ પાણીમાં લહેરો સર્જાઈ શકે છે. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે હાલની ઘટનાને કોઈ ચમત્કાર કે મોટી કુદરતી આફત સાથે જોડવાની જરૂર નથી અને લોકો અફવાઓથી દૂર રહી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવે.