Gopal Italia News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ સોશિયલ મીડિયા લાઈવના માધ્યમથી દેશની વર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને યુવાનોના આંદોલન અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશના હોનહાર યુવાનો પોતાની વ્યાજબી માંગણીઓ સાથે રસ્તા પર બેઠા છે. યુવાનોની માંગણીઓ બહુ સીધી અને સ્પષ્ટ છે: સૌપ્રથમ તો સતત પેપર લીકની નિષ્ફળતા બદલ દેશના શિક્ષણ મંત્રી રાજીનામું આપે, બીજું, વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થતી દમનકારી પોલીસ કાર્યવાહી, ખોટા કેસ અને હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના સરકારી આંકડાઓનો ઉલ્લેખ કરતાં તેમણે ગંભીર ખુલાસો કર્યો કે, ખામીયુક્ત શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીક જેવી ગેરરીતિઓના કારણે છેલ્લા ૧૦ વર્ષમાં દેશના સવા લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવા જેવું આત્યંતિક પગલું ભરવું પડ્યું છે. એક તરફ દેશના યુવાનોનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે અને બીજી તરફ આટલી મોટી ખુવારી છતાં માત્ર એક શિક્ષણ મંત્રીને બચાવવા માટે રેલ્વે સ્ટેશનો બંધ કરી દેવાયા, પોલીસ અને સૈન્ય ઉતારીને વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ પર દંડા-ગોળીઓ ચલાવીને અત્યાચાર ગુજારવામાં આવ્યો છે.

Gopal Italiaએ ભાજપ, તેના સમર્થકો અને મીડિયાના એક વર્ગની માનસિકતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જ્યારે પણ દેશમાં પોતાની ન્યાયી માંગણીઓ માટે કોઈ આંદોલન થાય છે, ત્યારે તેને દેશદ્રોહી કે વિદેશી ફંડિંગ આધારિત ચિતરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અગાઉ કાળા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન થયું ત્યારે પણ વિદેશથી ફંડ આવતુ હોવાના આક્ષેપો કરાયા હતા, અને આજે જ્યારે પોતાના ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે પણ ભાજપની આખી ટોળકી અને ગોદી મીડિયા આ યુવાનોને દેશ તોડનારા અને વિદેશી હાથો બન્યા હોવાનું કહીને બદનામ કરી રહી છે. ભાજપ પોતે આંદોલનોમાંથી જન્મેલી પાર્ટી છે પરંતુ આજની તારીખે યુવાનોના સતત એક મહિનાના સંઘર્ષને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યો છે. પેપર લીક અટકાવવા કડક કાયદા બનાવવાની વાતો પર કટાક્ષ કરતા તેમણે ગુજરાતની દારૂબંદીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ૨૦૧૭માં દારૂબંધીનો કાયદો ‘કડક’ કરવાનો દાવો કરાયો હતો, પરંતુ પરિણામ એ આવ્યું કે દારૂ બંધ થવાને બદલે માત્ર તેના ભાવ વધી ગયા અને આજે ગાંધીનગર સચિવાલય સુધી દારૂની હોમ ડિલિવરી મળે તેવો માહોલ છે. કાયદા કડક કરવાના નામે સરકાર માત્ર કાગળ પરની વાતો કરીને યુવાનોને છેતરી રહી છે.

શિક્ષણ સચિવની રાતોરાત કરવામાં આવેલી બદલીને સરકારનો ‘ખરાબ ઈરાદો’ અને ‘લોલીપોપ’ ગણાવી હતી. જો સરકાર ખરેખર યુવાનો પ્રત્યે સંવેદનશીલ હોત તો બે વર્ષ પહેલા જ્યારે NEETનું પેપર ફૂટ્યું હતું ત્યારે જ શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રીને હટાવી દેવામાં આવ્યા હોત, પરંતુ પચાસથી વધુ પેપરો ફૂટ્યા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ. હવે વિદ્યાર્થીઓના આક્રોશથી બચવા આઈ.એ.એસ. અધિકારીઓની બદલીઓ કરીને મુખ્ય ગુનેગારોને બચાવવામાં આવી રહ્યા છે. સરકારી અહંકાર એટલી હદે વધી ગયો છે કે ભૂલ સ્વીકારીને શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવાને બદલે વિદ્યાર્થીઓ પર લાકડીઓ અને બંદૂકો ચલાવવામાં આવી રહી છે. અંગ્રેજો પણ મુઠ્ઠીભર સંખ્યામાં આવ્યા હતા અને આપણા જ ભારતીય લોકોને પોલીસમાં ભરતી કરી આપણા લોકો પર રાજ કરતા હતા; આજે ભાજપ સરકાર પણ દેશના જ બાળકોને મારવા માટે દેશની પોલીસનો દુરુપયોગ કરી બ્રિટિશ શાસન જેવું વલણ દાખવી રહી છે. જો સરકારમાં આટલો અહંકાર રહેશે તો દેશ ક્યારેય પ્રગતિ કરી શકશે નહીં.