Godhra railway station News: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગમાં આવેલા ગોધરા રેલવે સ્ટેશનનું ₹7 કરોડના ખર્ચે આધુનિકીકરણ પૂર્ણ થયું છે. નવા રૂપમાં તૈયાર થયેલા સ્ટેશનને વધુ સુલભ, સુરક્ષિત, સ્વચ્છ અને મુસાફર-કેન્દ્રિત બનાવવામાં આવ્યું છે. 17 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ચાર પુનર્વિકસિત રેલવે સ્ટેશનો સાથે ગોધરા સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.
વડોદરા ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજુ ભડકેએ જણાવ્યું કે સ્ટેશનના પુનર્વિકાસ દરમિયાન મુખ્ય સ્ટેશન બિલ્ડિંગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સ્ટેશન પર આશરે 1,000 ચોરસ મીટરનો આકર્ષક ફસાડ, 120 ચોરસ મીટરનો પ્રવેશ મંડપ, 700 ચોરસ મીટરનો કોન્કોર્સ હોલ તેમજ 60 ચોરસ મીટરનો આધુનિક મહિલા પ્રતીક્ષાખંડ તૈયાર કરવામાં આવ્યો છે.
મુસાફરોની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર બીજા પ્રવેશદ્વારનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. નવા પ્રવેશદ્વારમાં 650 ચોરસ મીટરનું સ્ટેશન બિલ્ડિંગ અને 1,500 ચોરસ મીટરનું સર્ક્યુલેશન એરિયા બનાવવામાં આવ્યું છે, જેથી મુસાફરોની અવરજવર વધુ સરળ બની રહેશે.
સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1, 2/3 અને 4/5ને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્લેટફોર્મ સરફેસિંગ, સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા, આધુનિક શૌચાલય, દિવ્યાંગ અને દ્રષ્ટિહીન મુસાફરો માટે સ્પર્શેન્દ્રિય ટાઇલ્સ તેમજ આધુનિક સાઇનેજ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમનો સમાવેશ થાય છે.
સ્ટેશનના ટ્રાફિક અને પાર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. હાલના 4,000 ચોરસ મીટરના સર્ક્યુલેશન એરિયા ઉપરાંત 1,500 ચોરસ મીટરનો નવો પ્રવેશ વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે. સાથે જ 2,000 ચોરસ મીટરનું સ્કૂટર પાર્કિંગ અને 2,000 ચોરસ મીટરનો આધુનિક એપ્રોચ રોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
મુસાફરોને તડકો, વરસાદ અને અન્ય પ્રતિકૂળ હવામાનથી રક્ષણ મળે તે માટે પ્લેટફોર્મ 1, 2/3 અને 4/5 પર કુલ 3,000 ચોરસ મીટર વિસ્તારમાં કવર-ઓવર પ્લેટફોર્મ (COP) બનાવવામાં આવ્યા છે. ઉપરાંત વેઇટિંગ રૂમ, ઇન્ડોર વિસ્તાર, શૌચાલય અને સ્ટેશનના બ્યુટિફિકેશનનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 17 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત ચાર રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે. તેમાં વડોદરા વિભાગના ગોધરા અને પ્રતાપનગર, રાજકોટ વિભાગના ભક્તિનગર અને ભાવનગર વિભાગના પોરબંદર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ આધુનિકીકરણથી મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરીનો અનુભવ મળશે.




