Gujarat News: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની 30 જુલાઈએ યોજાનારી પેટાચૂંટણી હવે સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની જંગ બની ગઈ છે. ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ માત્ર બે સત્તાવાર ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે, જ્યારે અન્ય તમામ ઉમેદવારોના ઉમેદવારીપત્રો નામંજૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીએ આ પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.

ભાજપે પૂર્વ કોર્પોરેટર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ ગોવિંદભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. સતીશ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ભીખાભાઈ રબારી 1990ના દાયકામાં માધવસિંહ સોલંકીની સરકારમાં મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

15 ઉમેદવારીપત્રો ભરાયા, માત્ર બે ઉમેદવારો મેદાનમાં

આ પેટાચૂંટણી માટે કુલ સાત ઉમેદવારોએ 15 ઉમેદવારીપત્રો ભર્યા હતા. ચૂંટણી પંચની ચકાસણી બાદ કોંગ્રેસના ભીખાભાઈ રબારી અને ભાજપના સતીશ પટેલના એક-એક ઉમેદવારીપત્રને જ માન્યતા મળી છે.

ભીખાભાઈ રબારીએ ચાર ઉમેદવારીપત્રો ભર્યા હતા, જેમાંથી ત્રણ નામંજૂર થયા અને એક સ્વીકારાયો હતો. ભાજપના સતીશ પટેલે પણ ચાર ઉમેદવારીપત્રો દાખલ કર્યા હતા, જેમાંથી એક જ માન્ય ઠર્યો હતો. અન્ય ઉમેદવારોના તમામ ઉમેદવારીપત્રો નામંજૂર થતાં હવે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે.

યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડી બેઠક

માંજલપુર બેઠક ભાજપના વરિષ્ઠ નેતા અને આઠ વખતના ધારાસભ્ય યોગેશ પટેલના 2 જૂને લાંબી બીમારી બાદ થયેલા અવસાનને કારણે ખાલી પડી હતી. તેઓ વિજય રૂપાણી સરકારમાં રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. તેમના અવસાન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે.

30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે પરિણામ

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ મતદાન થશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. હવે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ચૂંટણી જંગ જોવા મળશે.