Payal Sakaria AAP: સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ ભાજપ સરકાર અને સુરત મહાનગરપાલિકાના શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું કે દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતમાં એકસરખી પરિસ્થિતિ સર્જાય છે, લોકો જીવ ગુમાવે છે, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, છતાં તંત્ર કોઈ અસરકારક આયોજન કરતું નથી.
પાયલ સાકરીયાએ આરોપ લગાવ્યો કે દર વર્ષે ભાજપના શાસકો ભારે વરસાદને જવાબદાર ઠેરવી પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. તેમણે સવાલ કર્યો કે જો દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી અને સમીક્ષા બેઠકો યોજાતી હોય તો તેનું પરિણામ જમીન પર કેમ જોવા મળતું નથી? તેમણે કહ્યું કે જો ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો અને અધિકારીઓ યોગ્ય રીતે કામ કરી શકતા ન હોય તો તેમણે જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ.
તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દેશની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકાઓમાંની એક છે અને શહેરના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાં દર વર્ષે વરસાદ પડતા શહેર પાણીમાં ગરકાવ થઈ જાય છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને પ્રી-મોન્સૂન કામગીરીના નામે હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે.
સાકરીયાએ વધુમાં કહ્યું કે ચોમાસા દરમિયાન થયેલા લોકોના મોત માટે જવાબદાર કોણ છે તેનો જવાબ સરકાર અને સ્થાનિક શાસકોએ આપવો જોઈએ. તેમણે માગ કરી કે પ્રી-મોન્સૂન કામગીરી, ખાડીઓના વિકાસ અને ડ્રેનેજ પ્રોજેક્ટ પાછળ થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો તેમજ કયા કોન્ટ્રાક્ટરને કેટલા રૂપિયા ચૂકવાયા તેની માહિતી જાહેર કરવામાં આવે.
હિન્દુત્વ અને રાજધર્મનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પ્રજાની સુરક્ષા કરવી એ જ સાચો રાજધર્મ છે. રાજા રામ અને છત્રપતિ શિવાજી મહારાજના ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે શાસકોનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું રક્ષણ કરવાનું છે, બહાના બનાવવાનું નહીં.
અંતમાં પાયલ સાકરીયાએ સુરતના નાગરિકોની પ્રશંસા કરતાં જણાવ્યું કે આપત્તિના સમયમાં લોકો એકબીજાની મદદ કરીને મુશ્કેલીઓનો સામનો કરે છે. સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી કે શાસકો પાસે જવાબદારી અને પારદર્શિતા અંગે સવાલ પૂછવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં.




