Surat News: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કચરો અને ભંગાર એકત્રિત કરીને જીવન નિર્વાહ કરતા બાબુભાઈ સાવંત પર એક વ્યક્તિએ લાકડાના ડંડાથી ક્રૂર હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

માત્ર 30 સેકન્ડમાં 13 વાર કર્યો હુમલો

પોલીસના જણાવ્યા મુજબ ઘટના 20 જૂનના રોજ વહેલી સવારે 3:22 થી 3:26 દરમિયાન ઓલપાડ-જહાંગીરપુરા રોડ પર આવેલી એક દુકાન સામે બની હતી. CCTV ફૂટેજમાં આરોપી વૃદ્ધના માથા, હાથ અને પીઠ પર સતત ડંડાથી હુમલો કરતો જોવા મળે છે.

ફૂટેજ મુજબ, આરોપીએ માત્ર 30 સેકન્ડમાં 13 વખત ફટકા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થઈને વૃદ્ધ જમીન પર પડી ગયા પછી પણ હુમલો ચાલુ રાખવામાં આવ્યો હતો.

સવારે લોહીલુહાણ હાલતમાં મળ્યા, હોસ્પિટલમાં મોત

ઘટનાના કલાકો બાદ સવારે એક રાહદારીએ બાબુભાઈને રસ્તાની બાજુમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જોયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

તબીબી ટીમે તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, માથામાં ગંભીર ઈજાઓ હોવાને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

પોસ્ટમોર્ટમ બાદ હત્યાનો ગુનો નોંધાયો

શરૂઆતમાં પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા પર ભારે વસ્તુના ઘાતક પ્રહારથી મૃત્યુ થયાનું બહાર આવતા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આરોપીની ઓળખ ન હોવાથી પોલીસ માટે આ કેસ એક બ્લાઈન્ડ મર્ડર કેસ સમાન હતો. તપાસ દરમિયાન પોલીસે 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા અને ટેક્નિકલ સર્વેલન્સ સાથે માનવ સૂત્રોની મદદ લીધી હતી.

પૈસાની લેતીદેતીના વિવાદમાં હત્યા

તપાસ દરમિયાન પોલીસે આરોપીની ઓળખ 55 વર્ષીય કિશોરભાઈ મોતીરામભાઈ પટેલ તરીકે કરી હતી. આરોપી પણ ભંગાર અને પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરીને જીવન નિર્વાહ કરતો હતો અને જહાંગીરપુરા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક વચ્ચે પૈસાની લેતીદેતીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ અદાવતને કારણે આરોપીએ બાબુભાઈ પર જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરી હતી.

થોડા કલાકોમાં આરોપીની ધરપકડ

સુરત પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે CCTV ફૂટેજ, ટેક્નિકલ વિશ્લેષણ અને માનવ ગુપ્ત માહિતીના આધારે આરોપીને ઝડપથી શોધી કાઢવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ, નાણાકીય વિવાદ હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.