Ahmedabad News: અમદાવાદમાં પ્રેમ સંબંધના વિવાદ બાદ થયેલા એસિડ હુમલા કેસમાં સિટી સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે મહજબીનબાનુ ચાવરાને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને ₹1 લાખના દંડની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષે રજૂ કરેલા પુરાવાઓના આધારે આરોપો સફળતાપૂર્વક સાબિત થયા છે.
AMTS કર્મચારી સાથે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો
તપાસમાં સામે આવ્યું હતું કે પીડિતા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)માં કર્મચારી તરીકે ફરજ બબજાવતો હતો. લગભગ પાંચ વર્ષ પહેલાં તેની ઓળખ મહજબીનબાનુ સાથે થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી, જે બાદમાં પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી.
પરિવારને જાણ થતાં સંબંધનો અંત આવ્યો
કોર્ટમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, પીડિત પહેલેથી જ પરિણીત હતી. પરિવારને સંબંધની જાણ થતાં તેણે લગભગ એક વર્ષ પહેલાં આરોપી મહિલા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, આ નિર્ણય બાદ બંને વચ્ચે મતભેદ વધ્યા હતા.
કાલુપુર નજીક AMTS ઓફિસમાં થયો હુમલો
ઘટનાના દિવસે પીડિત કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલી AMTS ઓફિસમાં ફરજ પર હતી. આરોપી મહિલા કથિત રીતે બુરખો પહેરીને એક સાથીદાર સાથે ત્યાં પહોંચી હતી. બંને વચ્ચે સંબંધ તોડવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ફરિયાદ મુજબ, વિવાદ દરમિયાન આરોપી મહિલાએ પીડિતા પર એસિડ ફેંક્યું અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી.
એસિડ હુમલાથી આંખો અને શરીરના અન્ય ભાગો દાઝ્યા
હુમલામાં પીડિતની આંખો, પીઠ અને ગુપ્તાંગ સહિતના ભાગો ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર બાદ પણ તેની દ્રષ્ટિ પર કાયમી અસર પડી હોવાનું કોર્ટમાં રજૂ થયું હતું.
પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે આરોપી મહિલા તેના પર પ્રેમ સંબંધ ચાલુ રાખવા માટે સતત દબાણ કરતી હતી. તેણે અગાઉ પરિવારને પણ હેરાન કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
FSL રિપોર્ટ બન્યો મહત્વપૂર્ણ પુરાવો
તપાસ દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અહેવાલમાં પીડિતાના કપડાં અને ઘટનાસ્થળેથી એસિડના અંશો મળી આવ્યા હતા. કોર્ટે આ વૈજ્ઞાનિક પુરાવાઓને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
બચાવ પક્ષની દલીલો કોર્ટે ફગાવી
બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપી મહિલા બુરખામાં હતી, જેથી તેની ઓળખ નિશ્ચિત રીતે થઈ શકતી નથી. ઉપરાંત, ઘટનાસ્થળે તેના મોબાઇલ ફોનનું લોકેશન પણ મળ્યું ન હોવાનું જણાવાયું હતું.
પરંતુ કોર્ટે સાક્ષીઓના નિવેદનો, વૈજ્ઞાનિક પુરાવા અને સમગ્ર કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ પક્ષની દલીલો નામંજૂર કરી હતી.
કોર્ટે 10 વર્ષની સખત કેદ અને ₹1 લાખ દંડની સજા ફટકારી
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એસ.આર. સાંગાણીએ આરોપી મહજબીનબાનુ ચાવરાને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે જ ₹1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આવા ગંભીર ગુનાઓ સામે કડક વલણ જરૂરી છે.




