Amit Shah News: ગાંધીનગર તા.૨૮ જૂન- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર માટે એક વિશેષ સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ ‘પીએમ – ફેમિલી કેર ટ્રેકર’ -PM-FCT પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૪ એ ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વર્ષ છે. આઝાદીના ૧૦૦ વર્ષનો ઇતિહાસ જ્યારે પણ લખાશે, ત્યારે તેના બે સ્પષ્ટ ભાગ હશે, ૨૦૧૪ પહેલાંનું ભારત અને ૨૦૧૪ પછીનું ભારત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની શિક્ષણનીતિ, અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં દીર્ઘકાલીન આયોજન સાથે આમૂલ પરિવર્તન આવ્યું છે. હવે વડાપ્રધાન ના પારદર્શી શાસન થકી દિલ્હીથી નીકળેલો રૂપિયો આજે સીધો ગરીબોના બેંક ખાતામાં જમા થાય છે.
ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ખાતેથી પ્રાયોગિક ધોરણે ‘પીએમ ફેમિલી ટ્રેકર’ અને ‘હેલ્થ પાસપોર્ટ’ યોજનાનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, આ કોમન આઈડેન્ટિટી સિસ્ટમથી શાસનની કામગીરી વધુ સુદ્રઢ બનશે અને કોઈ પણ પાત્રતા ધરાવતા લાભાર્થી લાભથી વંચિત નહીં રહે.
ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના પોતાના અનુભવો વણી લેતા દારુણ ગરીબીનો ચિતાર આપ્યો હતો અને ઉમેર્યું હતું કે, મોદી સરકારે દેશના ૭૦ કરોડ ગરીબોને ઘર, વીજળી, નળથી જળ, શૌચાલય, ગેસ સિલિન્ડર, મફત અનાજ અને ૫ લાખ સુધીની મફત સારવાર આપીને પાંચ-પાંચ પેઢીઓનું સપનું માત્ર ૧૨ વર્ષમાં પૂરું કર્યું છે. મહાત્મા ગાંધીના ‘રામરાજ્ય’ની વ્યાખ્યાને સાર્થક કરતા તેમણે કહ્યું કે, માત્ર યોજનાઓ બનાવવી પૂરતી નથી, પરંતુ પ્રજાની ચિંતા, કાળજી અને માવજત કરવી તે સાચું શાસન છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ જટિલ સિસ્ટમ અને સોફ્ટવેર તૈયાર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સમગ્ર વહીવટી તંત્રની ભારે પ્રશંસા કરી હૃદયપૂર્વક અભિનંદન પાઠવી નવતર પ્રયોગ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ ટ્રેકરના માધ્યમથી જન્મ-મૃત્યુ, સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ અને સમાજ કલ્યાણ જેવા તમામ વિભાગોના ડેટાબેઝને એક કોમ્પ્યુટર પ્રણાલીમાં સાંકળી લેવાયા છે. કોઈ બાળક રસીકરણથી વંચિત રહી જશે કે કોઈ બાળકી શાળાએ જવાનું બંધ કરશે, તો તુરંત જ સિસ્ટમમાં એલર્ટ થશે. સ્થાનિક અધિકારીઓથી લઈને ધારાસભ્ય અને સાંસદ સુધી નામ ફ્લેશ થતાં જ સ્વયંસેવકો અને તંત્ર બાળકના ઘરે પહોંચી તેની સુવિધા સુનિશ્ચિત કરશે. માતાના ગર્ભથી લઈને ૧૬ વર્ષના બાળક સુધીના સ્વાસ્થ્ય અને પોષણનું આઈટી માધ્યમથી સચોટ ટ્રેકિંગ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર અને બાળકોના હેલ્થ પાસપોર્ટને દરેક પરિવાર માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની આરોગ્ય રક્ષાની સંવેદનશીલ અને સુગ્રથિત વ્યવસ્થા ગણાવી હતી.
તેમણે જણાવ્યું કે, આ યોજના ગર્ભથી ગૌરવપૂર્ણ યુવાની સુધી બાળક અને માતાના જીવનને સુરક્ષિત, સ્વસ્થ અને આરોગ્ય સમૃદ્ધ બનાવવાના નવા યુગની શરૂઆત છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ નાગરિકને વિકસિત રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ ગણાવી છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રમાં ભારતે સારવાર આધારિત વ્યવસ્થાથી આગળ વધીને હોલિસ્ટિક હેલ્થ કેરનો અભિગમ અપનાવ્યો છે.
વડાપ્રધાનએ પ્રિવેન્ટિવ હેલ્થકેર, પ્રોમોટિવ હેલ્થકેર, એફોર્ડેબલ હેલ્થકેર અને ડિજિટલ હેલ્થકેર એમ ચાર મુખ્ય આધાર સ્તંભથી 140 કરોડ દેશવાસીઓના સર્વગ્રાહી આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે એમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્વસ્થ બાળક – સ્વસ્થ પેઢીનો ઉદ્દેશ પાર પાડવામાં ગુજરાતે માતા અને બાળ આરોગ્ય સંભાળ તથા પોષણ ક્ષેત્રે કરેલી મહત્વપૂર્ણ કામગીરીની ભૂમિકા આપી હતી.
આ સંદર્ભમાં તેમણે નમો યોજનામાં જરૂરતમંદ અને સગર્ભા – ધાત્રી માતાઓને રૂ. 12 હજાર સુધીની સહાયની તેમજ જિલ્લાઓમાં ડે કેર સેન્ટર, ડાયાલિસિસ સેન્ટર, કેન્સર સારવાર તથા કાર્ડીયાક સર્જરી અને કિડનીના રોગોની સારવારની ઉપલબ્ધીની વિગતો આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતા અને બાળ મૃત્યુદર ઘટાડવામાં, કુપોષણ નિવારવામાં અને અદ્યતન આરોગ્ય રક્ષા કવચની સુવિધા આપવામાં પી.એમ. ફેમિલી કેર ટ્રેકર અને હેલ્થ પાસપોર્ટ નવા માઈલ સ્ટોન પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આજના ગૌરવવંતા કાર્યક્રમમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે આરોગ્ય ક્ષેત્રે દેશભરમાં મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ગુજરાતના આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત સમન્વયથી ‘પીએમ ફેમિલી કેર ટ્રેકર’ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ગાંધીનગરથી થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતના આરોગ્ય વિભાગ પર મૂકેલા વિશ્વાસ બદલ આભાર માનતાં તેમણે ઉમેર્યું કે, આ ડિજિટલ પ્લેટફોર્મ માત્ર ગાંધીનગરમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં સંવેદનશીલ અભિગમ સાથે સફળતાપૂર્વક કાર્યરત થશે.
આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરાશે. બાળકના જન્મથી જ એક વિશેષ કાર્ડ બનશે, જેમાં તેના ૧૮ વર્ષ સુધીના આનુવંશિક અને અન્ય રોગોના નિદાન તથા સારવારની વિગતો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહેશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસીય પોલિયો નાબૂદી અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે ભારત સત્તાવાર રીતે પોલિયો મુક્ત બન્યું છે તે ગૌરવની વાત છે. કોરોના મહામારીમાં પણ સરકારે છેવાડાના વ્યક્તિ સુધી શ્રેષ્ઠ સારવાર પહોંચાડી હતી. ૧૧ પ્રકારના ગંભીર રોગો સામે રક્ષણ આપતી રસીથી એક પણ બાળક વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણ કટિબદ્ધ છે અને આ પ્રકલ્પને ‘અંત્યોદય’ સુધી પહોંચાડવા મજબૂત સંકલ્પબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે,આ વિશેષ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર’ યોજનાના પ્રથમ ત્રણ લાભાર્થીઓને સત્તાવાર ડિજિટલ પત્રક એનાયત કરીને પ્રોજેક્ટની સફળ શરૂઆત કરાવવામાં આવી હતી. તેમણે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય સુરક્ષાના આ મહત્વપૂર્ણ અભિયાન અંતર્ગત, મંત્રી દ્વારા ‘હેલ્થ પાસપોર્ટ’ જારી કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગર સ્માર્ટ સિટી બનવા તરફ વધુ એક ઐતિહાસિક કદમ આગળ વધારતા PM eBus Sewaનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનજી, આંતરરાજ્ય પરિષદના સચિવ આશિષકુમાર વાસ્તવ, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપના વગેરે પદાધિકારીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




