Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોરીની વધુ એક મોટી ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યા ચોરોએ કૃષ્ણ જ્વેલર્સને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરોએ દુકાનમાં પ્રવેશવા માટે ટીનનું છાપરું કાપ્યું હતું અને પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી સિસ્ટમનું DVR પણ સાથે લઈ ગયા હતા.
માહિતી મુજબ, ઘટના રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ બની હતી. ચોરોએ કટર વડે દુકાનનું ટીનનું છાપરું કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સોના-ચાંદીના દાગીના, ચાંદીના વાસણો, મૂર્તિઓ, બંગડીઓ, ચશ્મા સહિત અનેક કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. દુકાનદાર મનોજ સોનીના જણાવ્યા અનુસાર આશરે 15 કિલોગ્રામ ચાંદીની વસ્તુઓ અને 2.5 કિલોગ્રામ જેટલો જૂનો ચાંદીનો ભંગાર પણ ચોરી થઈ ગયો છે.
ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં દુકાનદારે આશરે 30 લાખ રૂપિયાના નુકસાનનો દાવો કર્યો હતો, પરંતુ પોલીસને હાલ 7.42 લાખ રૂપિયાના માલસામાનના બિલ રજૂ કરવામાં આવ્યા હોવાથી તે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે સંપૂર્ણ ઇન્વેન્ટરી અને મૂલ્યાંકન બાદ વાસ્તવિક નુકસાનની રકમ સ્પષ્ટ થશે.
ચોરો પૂર્વ તૈયારી સાથે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેમની ઓળખ ન થાય તે માટે આરોપીઓ DVR પણ સાથે લઈ ગયા હતા. પોલીસ હવે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.
દુકાન માલિક મનોજ સોનીએ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં તેમની દુકાનને ચોથી વખત નિશાન બનાવવામાં આવી છે. અગાઉ પણ અનેક વખત ચોરીના પ્રયાસો થયા હતા, પરંતુ આ વખતે ચોરો પોતાના ઈરાદામાં સફળ રહ્યા છે. તેમણે અગાઉની ઘટનાઓમાં પણ પોલીસ સમક્ષ રજૂઆતો કર્યાનો દાવો કર્યો છે.
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે છેલ્લા છથી સાત મહિનામાં વિસ્તારમાં સાતથી આઠ મોટી ચોરીઓ થઈ ચૂકી છે, જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. વેપારીઓએ રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને ચોરીની ઘટનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવાની માંગ કરી છે. હાલમાં પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.




