Surat News: સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક એકાઉન્ટન્ટે ઓપ્શન્સ ટ્રેડિંગમાં થયેલા ભારે નુકસાનની ભરપાઈ કરવા માટે પોતાનું જ અપહરણ થયાનું નાટક રચ્યું હતું. આરોપીએ પોતાની પત્નીને ₹50 લાખની ખંડણી માંગતો સંદેશ અને પોતે બંધક હોવાનું દર્શાવતો વીડિયો મોકલી સમગ્ર પરિવારને ભયભીત કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ, 36 વર્ષીય જિગ્નેશ તલાવિયાએ પોતાની પત્નીના મોબાઇલ ફોન પર હિન્દીમાં ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. સંદેશમાં જણાવાયું હતું કે જો ₹50 લાખ નહીં ચૂકવવામાં આવે તો તે મૃત હાલતમાં મળશે. સાથે જ પોલીસને જાણ કરવા અથવા બેંક એકાઉન્ટ બંધ કરવાના પ્રયાસો ન કરવા ચેતવણી પણ આપવામાં આવી હતી.

સંદેશ સાથે મોકલાયેલા વીડિયોમાં જિગ્નેશને દોરડાથી બાંધેલો અને બંધક બનાવેલો દર્શાવવામાં આવ્યો હતો. વીડિયો જોતા જ પરિવાર ગભરાઈ ગયો અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો.

આ અગાઉ, જિગ્નેશની પત્ની મીનાક્ષીબેન તલાવિયાએ 12 જૂને ઉત્તરણ પોલીસ સ્ટેશનમાં તેમના પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી. બાદમાં મળેલા ખંડણીના સંદેશ અને વીડિયોને આધારે પોલીસે કેસને અપહરણ તરીકે લઈને વિશેષ તપાસ હાથ ધરી હતી.

ઉત્તરણ પોલીસ સ્ટેશનના PI એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ અનેક ટીમો બનાવવામાં આવી હતી. માનવ ગુપ્ત માહિતી, CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

તપાસ દરમિયાન શરૂઆતમાં જિગ્નેશનું લોકેશન મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મળ્યું હતું, પરંતુ તે સતત સ્થળ બદલતો હોવાથી પોલીસ સતર્ક બની હતી. ત્યારબાદ વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં તેને દોરડાથી બાંધીને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

વીડિયોની પૃષ્ઠભૂમિ અને અન્ય માહિતીના આધારે પોલીસે પંચમહાલ જિલ્લાના ગોધરાની એક હોટલ પર દરોડો પાડ્યો. 15 જૂને બપોરે જિગ્નેશને ગોધરાની શિવ હોટલમાંથી સલામત રીતે શોધી કાઢવામાં આવ્યો.

સુરત લાવીને કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરું બહાર આવ્યું. જિગ્નેશે કબૂલ્યું કે અપહરણની આખી વાર્તા તેણે જ ઘડી હતી. તેણે જ ખંડણીનો સંદેશ તૈયાર કર્યો હતો અને પોતાને દોરડાથી બાંધીને વીડિયો બનાવી પત્નીને મોકલ્યો હતો.

પોલીસ સમક્ષ તેણે ઘટનાનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ આપ્યું હતું, જેમાં તેણે કેવી રીતે વીડિયો તૈયાર કર્યો અને મોકલ્યો તે બતાવ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું કે જિગ્નેશ મૂળ બોટાદ જિલ્લાના રત્નાલ ગામનો રહેવાસી છે અને સુરતમાં એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. ઝડપથી પૈસા કમાવાની લાલચમાં તે શેરબજારમાં કોલ અને પુટ ઓપ્શન્સ ટ્રેડિંગમાં જોડાયો હતો, જ્યાં તેને અંદાજે ₹50 થી ₹60 લાખનું નુકસાન થયું હતું.

આ નુકસાનની ભરપાઈ કરવા અને પરિવારજનો પાસેથી પૈસા મેળવવા માટે તેણે નકલી અપહરણનું કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

DCP લખધીર સિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન શરૂઆતથી જ અનેક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. માનવ ગુપ્ત માહિતી અને ટેકનિકલ પુરાવાઓના આધારે સ્પષ્ટ થયું હતું કે આ અપહરણ નહીં પરંતુ પૂર્વયોજિત કાવતરું હતું.

પોલીસે જિગ્નેશ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીએ ખોટી માહિતી આપી તપાસને ગેરમાર્ગે દોરી, સરકારી સંસાધનોનો દુરુપયોગ કર્યો અને પોલીસનો કિંમતી સમય બગાડ્યો.