Gujarat News: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય પોલીસ દ્વારા “મિશન બેટર પોલિસિંગ” હેઠળ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા જી. એસ. મલ્લિકની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય વિડિયો કોન્ફરન્સમાં પોલીસ શિસ્ત, ટેક્નોલોજી આધારિત સુરક્ષા અને જનકેન્દ્રિત પોલીસિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકમાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ ડિસિપ્લિન અને સેવા નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રહેણાંક વિસ્તારો, વ્યાપારી સંકુલો અને વિવિધ સંસ્થાઓમાં લાગેલા ખાનગી CCTV કેમેરાને પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ કામગીરીમાં પારદર્શિતા વધારવા માટે મેદાનમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાજ્યમાં ગેરકાયદેસર વ્યાજખોરી સામે ચાલી રહેલી ઝુંબેશને વધુ વેગ આપવા અને વ્યાજખોરો સામે ઝીરો ટોલરન્સ નીતિ યથાવત રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

નાગરિકોની ફરિયાદો પર ઝડપી કાર્યવાહી થાય તે માટે FIR નોંધવામાં કોઈ વિલંબ ન થાય તેની પણ તમામ પોલીસ એકમોને સૂચના આપવામાં આવી છે. સાથે જ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે પોલીસ આવાસ યોજનાઓને વધુ ગતિ આપવા અને રહેણાંક ક્વાર્ટર્સની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય પોલીસના આ નિર્ણયો આધુનિક, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત પોલીસિંગ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થશે.