AAP: આમ આદમી પાર્ટીના કચ્છના સંગઠન દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેસ સિલિન્ડર, ઉજ્જ્વલા યોજના, સબસીડી અને મોંઘવારીની અર્થી નીકાળીને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં આજે અમે ઉજ્જ્વલા યોજના, ગેસ સિલિન્ડર, સબસીડી, મોંઘવારીની અર્થી નીકાળી હતી. LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લા 3 મહિનામાં 89 રૂપિયાનો વધારો થયો હતો અને સાત જૂનના રોજ 29 રૂપિયાનો વધારો થયો હતો.
વધુમાં પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રીએ એક સમયે કહ્યું હતું કે ચૂલાનો ઉપયોગ કરીને દેશની મહિલાઓની આંખોમાં જે આંસુ આવે છે એને તેઓ બર્દાશ્ત નથી કરી શકતા, એના કારણે તેઓએ ઉજ્વલા યોજના બનાવી હતી. પરંતુ એમાં જે 12 સિલિન્ડર હતા, એ ઘટીને હવે 4 થઈ ગયા છે. તો નરેન્દ્ર મોદીજીને હવે પોસ્ટકાર્ડ લખવા પડશે.
આમ આદમી પાર્ટી તરફથી અત્યાર સુધી જેટલા પણ આવેદનપત્ર આપવામાં આવે છે, એનો અત્યાર સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, તો મહિલાઓના પોસ્ટકાર્ડનો જવાબ આવશે એની શું ગેરંટી? ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, છતાં પણ આપણા દેશમાં ગેસના ભાવ વધી રહ્યા છે અને સરકાર આના વિરુદ્ધ કોઈ પગલા નથી લઈ રહી અને તેના કારણે મધ્યમવર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધતો જઈ રહ્યો છે. આના પર આપણે સવાલ પૂછવો જોઈએ કારણ કે સવાલ પૂછવો જરૂરી છે.




