Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવાએ ગૃહમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા સહિત અનેક જગ્યાએ જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. મોડા મોડા પણ મનસુખભાઈ જાગ્યા છે તો અમને એ બાબતનો આનંદ થાય છે. અમે અનેક વાર નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદમાં દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના અડ્ડા પર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે. પણ સરકારે એ પોલીસ અધિકારીઓ અને બુટલેગર ઉપર કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી. મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. સૌથી પહેલા તો જો આ નેતાઓના નામ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ મનસુખભાઈ પાસે હોય તો તેઓ નામ જાહેર કરે.
વધુમાં ધારાસભ્ય Chaitar Vasavaએ જણાવ્યું હતું કે હાલ એમની સરકાર છે અને એમના જ ગૃહમંત્રી છે, જે હંમેશા કહેતા હોય છે કે “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” તો હવે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં એવી વાતો કરવામાં આવી હતી તો હવે મનસુખભાઈ જેમના નામ આપે એ લોકો પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી પ્રબળ માંગ છે. સાથે સાથે હું મનસુખભાઈ વસાવાને એ પણ યાદ અપાવી દઉં કે હમણાં જે ચૂંટણી હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને કહેવામાં આવ્યું હતું કે “તમે ખુલ્લામાં ધંધો કરજો અને અમે તમને ધંધો કરવા દઈશું, તમે ફક્ત અમારા ઉમેદવારોને જીતાડજો” અને “સમયસર ભરણ કમલમ સુધી પહોંચી જાય” એવું ભાજપના અહીંયાના નેતાઓએ બુટલેગરોને કહ્યું હતું. તો હવે અમારી અને ગુજરાતની જનતાની લાગણી અને માંગણી છે કે મનસુખભાઈ વસાવા આ તમામ નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને સરકાર તાત્કાલિક ધોરણે આ તમામ લોકો પર કડક કાર્યવાહી કરી એવી અમારી પ્રબળ માંગ છે.




