Gujarat Local Body Election Results: ગુજરાતમાં રવિવારે યોજાયેલી 9,200થી વધુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામ મતગણતરી કેન્દ્રો પર ગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાંની સૌથી મોટી રાજકીય અગ્નિપરીક્ષા માનવામાં આવી રહી છે.

રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન થયું હતું. નવસારી, ગાંધીધામ, મોરબી અને વાપી સહિત 9 નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત મતદાન નોંધાયું હતું.

શાસક ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે, જ્યારે AIMIMએ પણ કેટલીક બેઠકો પર પોતાનું પ્રભાવ બતાવવાનો પ્રયાસ કર્યો છે. 2021ની ઐતિહાસિક જીત બાદ ભાજપ ફરી મજબૂત પ્રદર્શન કરશે કે વિપક્ષ નવા સમીકરણો ઉભા કરશે, તેના પર સૌની નજર છે.

રાજકોટમાં ભાજપ આગળ

રાજકોટ વોર્ડ નંબર 7માં મતગણતરીના પ્રારંભિક રાઉન્ડથી ભાજપ આગળ ચાલી રહ્યું છે. નેહાલી શુક્લાની પેનલ પણ શરૂઆતમાં લીડમાં હોવાથી સ્પર્ધા વધુ રસપ્રદ બની છે.

ગાંધીનગરમાં સૌથી વધુ પોસ્ટલ બેલેટ

ગાંધીનગર તાલુકાની 8 જિલ્લા પંચાયત બેઠકો માટે કુલ 526 પોસ્ટલ બેલેટની ગણતરી થઈ છે. સરધવ વિસ્તારમાં સૌથી વધુ 89 પોસ્ટલ બેલેટ નોંધાયા છે. હવે EVM દ્વારા મતગણતરી શરૂ થઈ ગઈ છે.

ફાગવેલ તાલુકા પંચાયત – ભાજપનો વિજય

ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકા પંચાયતની દાણાદરા બેઠક પર ભાજપના સોનલબેન પૃથ્વીરાજસિંહ પરમારે જીત મેળવી છે.

તારાપુર નગરપાલિકા – ભાજપનો ક્લીન સ્વીપ

આણંદ જિલ્લાના તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.

લુણાવાડા – કોંગ્રેસનો પરાજય

લુણાવાડા નગરપાલિકાની વોર્ડ 5ની પેટાચૂંટણીમાં ભાજપના રક્ષાબેન પરમારે કોંગ્રેસના કૃપાબેન ખાંટને હરાવ્યા છે.

દાહોદમાં ભાજપનો કબજો

ફતેપુરા તાલુકાની બારસેડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપે જીત મેળવી છે.

બોટાદમાં પણ ભાજપ આગળ

બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પર ભાજપના સંજયભાઈ નાંદોલિયાએ વિજય મેળવ્યો છે.

સાવલી નગરપાલિકા – ભાજપે ખાતું ખોલ્યું

સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારની જીત સાથે પક્ષે શરૂઆતથી જ મજબૂત સંકેત આપ્યો છે.

પૂર્વ IPS અને RJ પણ મેદાનમાં

આ ચૂંટણીમાં ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી એમ.એલ. નિનામા, પૂર્વ રેડિયો જોકી આભા દેસાઈ અને AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી જેવા જાણીતા ચહેરાઓ પણ મેદાનમાં છે.