Gopal Italia News: ગાંધીનગરમાં વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ મિડીયાને સંબોધિત કર્યા હતા. આ તકે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, “મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે વિધાનસભા ભવન ચાલે છે. કરોડો રૂપિયાના પગાર અને અન્ય ખર્ચો એટલા માટે જાહેર ખર્ચે થાય છે કે લોકોના મુદ્દાઓ પર અહીં ચર્ચા થાય. પરંતુ મેં જોયું કે રાજ્યના એક ધારાસભ્ય ઉભા થયા અને સરકારને કહ્યું કે કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ફાઇનલ માટે ટિકિટ મળતી નથી, તેથી સરકારે તેની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ સત્તાપક્ષ તરફથી કૃષિ મંત્રી ઉભા થયા અને તેમણે આશ્વાસન આપ્યું કે આવતીકાલે કોઈપણ ફાઇનલ મેચ હશે તો ધારાસભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરવામાં આવશે.
Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે મને પ્રશ્ન થાય છે કે આટલી જ ગંભીરતા શાળામાં એડમિશન ન મળતા બાળકો માટે કેમ નહીં? આજે શાળાઓમાં જગ્યાઓ નથી, દવાખાનાઓમાં ખાટલાઓ નથી, અને ગરીબ માણસને બસની ટિકિટ પણ મળતી નથી કારણ કે ઘણી જગ્યાએ બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે જ્યાં કોઈ બસ સેવા ઉપલબ્ધ નથી. આ વિષયો પર સરકાર તરફથી કોઈ ગંભીરતા દેખાતી નથી, પરંતુ ગુજરાતની વિધાનસભામાં ક્રિકેટની ટિકિટ ધારાસભ્યોને નથી મળતી તે મુદ્દે ચર્ચા થાય છે. મને લાગે છે કે ગુજરાતની જનતાએ આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ કે વિધાનસભામાં કેવા પ્રકારના મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.





