CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં આયોજિત દેશની સૌ પ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા- જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં સહભાગી થયા હતા.
ગાંધીનગરમાં પર્યાવરણ જાગૃતિ માટે સેવારત નેચર ફર્સ્ટ ફાઉન્ડેશન અને સૌ પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા ઉત્સવ તા. ૧ ફેબ્રુઆરી રવિવારથી ૭ ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી યોજાઈ રહી છે. આ કથાના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રીશ્રીએ કથા શ્રવણ કરીને વ્યાસપીઠની આરતીનો લાભ લીધો હતો.
કથાના મુખ્ય વક્તા તરીકે સુપ્રસિદ્ધ ભાગવત કથા કાર પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી ભાગવત કથાનું અમૃતપાન કરાવી રહ્યાં છે.
ભાવિ પેઢીને કુદરતી આફતો સામે સુરક્ષિત કરવાના તેમજ જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ કથા કોઈ પણ જાતના મંડપ કે પંડાલ વિના પ્રકૃતિના સંપૂર્ણ સાનિધ્યમાં વૃક્ષોની વનરાજી વચ્ચે સેક્ટર-6માં યોજાઈ રહી છે.
બ્રહ્માંડના પંચતત્વ અને જીવ સૃષ્ટિની જનેતા એવી પ્રકૃતિ માતાના જતન અને સંવર્ધનના ઉમદા હેતુ સાથે પાટનગર ગાંધીનગરમાં આ પ્રકૃતિ પ્રેમ કથા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આ અવસરે નેચર ફર્સ્ટ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને કથા ના પ્રાયોજક નારણભાઈ પટેલ તથા પૂર્વ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, ધારાસભ્ય રીટાબહેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે, પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.





