CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2026ને ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ ગણાવ્યું હતું.
તેમણે આ ત્રણ કર્તવ્યોની ભૂમિકા આપતા કહ્યું કે, આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ, લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જનભાગીદારી અને સૌના સાથ સૌના વિકાસને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ-2026ને આવકાર આપવા સાથે ગુજરાતને આ બજેટથી થનારા લાભ અંગેની વિસ્તૃત ભૂમિકા ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી. નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન તેમજ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.
CM Bhupendra Patelએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આ બજેટને રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતા વિકસિત ભારત માટેનો કોન્ટમ જમ્પ આપનારું બજેટ ગણાવ્યું હતું. ભારત આજે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યને સિદ્ધ કરવા તરફનું મહત્વનું કદમ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટમાં ફાર્મા સેક્ટરમાં ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું લીડર છે અને બાયોફાર્મા શક્તિ કાર્યક્રમનો રાજ્યના ફાર્મા સેક્ટરને પણ મળશે.
આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
રાજ્યના 42.9 લાખથી વધુ MSME અર્થતંત્રની બેકબોન છે તેનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારનાં આ વર્ષનાં બજેટમાં “ચેમ્પીયન MSME”ના નિર્માણ માટે ૧૦ હજાર કરોડના SME ફંડની જાહેરાત કરી છે. તેનાથી MSME સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડીટી વધશે.
CM Bhupendra Patelએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેને બજેટમાં જાહેર થયેલા ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0નો લાભ મળશે.
પીએમ ગતિશક્તિથી DMIC ફ્રેઈટ રૂટનાં નેટવર્કથી લોજીસ્ટિક સપોર્ટ સુદ્રઢ થયો છે હવે પૂર્વનાં દાનકુનીથી આપણા ટેક્સટાઇલ સિટી સુરત સુધીના નવા ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
દેશના ફિનટેક હબ ગિફ્ટ સિટીમાં દસ વર્ષના ટેક્સ હોલીડેને વધારીને 20 વર્ષ કરવાની જાહેરાતની મુખ્યમંત્રીશ્રીએ આવકારી હતી. આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતા તેમણે કહ્યું કે, આ ટેક્સ હોલીડેને પરિણામે ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટર્સ વધુ ભરોસાથી લાંબા ગાળાના રોકાણ માટે આકર્ષિત થશે.
રાજ્યના શહેરો વડાપ્રધાનનાં માર્ગદર્શનમાં ગ્રોથ હબ બન્યાં છે ત્યારે આ બજેટમાં 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન તરીકે વિકસાવવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના પરિણામે આપણાં મોટા શહેરોની સાથે નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ થયું છે તેને બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમથી વધુ પ્રેરણા અને બળ મળશે એમ પણ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાત નેશનલ ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, 16 માં નાણાંપંચ અંતર્ગત ગુજરાત માટે સેન્ટ્રલ ડીવોલ્યુશન 3.48 ટકાથી વધારીને 3.75 ટકા કરવામાં આવ્યું છે. આના પરિણામે રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ મળશે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.
યુવાનો માટે જોબ ક્રિએશનના નવા દ્વાર ખોલતી અનોખી યોજના વિશે તેમણે કહ્યુ કે, બદલાતાં સમયની સાથે યુવાઓ તાલીમ લઈને કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખાસ AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ માટે દેશમાં 15 હજાર જેટલી શાળાઓ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે તેનો લાભ ગુજરાતનાં મહત્વકાંક્ષી યુવાનોને મળશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
તેમણે આ વિકાસ લક્ષી બજેટનો લાભ મેળવીને ગુજરાત ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત માટે લીડ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.





