CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે.

જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો, રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણકર્તા હોય તેમને આ નિર્ણયનો લાભ મળશે.

એટલું જ નહિ આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થશે.