Jitu Vaghani: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા બાદ આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાદોદ તેમજ ગાંધીનગર તાલુકાના વીરા તલાવડી ગામના ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા.
કૃષિ મંત્રીએ નાદોદ ગામના અસરગ્રસ્ત ખેતરની મુલાકાત લઈ ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમને સધિયારો આપ્યો હતો. સાથે જ, તેમણે આ અણધારી આફતમાં થયેલા પાક નુકશાન સામે અસરગ્રસ્ત તમામ ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી સહાય પૂરી પાડવાનો વિશ્વાસ આપ્યો હતો.
નાદોદ અને વીરા તલાવડી ગામના ખેડૂતોએ ધરતીપુત્રોના હિતમાં ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરીને રાહત પેકેજના નિર્ણયને આવકાર્યો હતો.
આ વેળાએ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોએ ઈતિહાસમાં આવા સમયે લગાતાર ૧૦ થી ૧૫ દિવસ સુધી કમોસમી વરસાદ ક્યારેય જોયો નથી. આ અણધારી આફતના માર સામે ખેડૂતોને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં લગભગ પહેલી વાર ૧૬,૦૦૦થી વધુ ગામોમાં ગ્રામ પંચાયત કચેરીમાં બેસીને ખેડૂતોએ જે પાક-જણશ લખાવી, તે જ પ્રકારે પંચ રોજકામ કરીને તેના આધારે સહાય આપવાનો નિર્ણય કર્યો છે. દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકારે ખરા અર્થમાં ખેડૂતોને સધિયારો, સહયોગ અને પડખું આપીને તેમના હિતને પ્રાધાન્ય આપ્યું છે.
મંત્રીએ રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત નહીં રહે, તેવો વિશ્વાસ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ખેડૂતોની સમૃદ્ધિની દિશામાં કામ કર્યું છે. તેમના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતોને ક્યારેય ઘટવા દીધું નથી અને ક્યારેય ઘટવા દેશે નહિ, તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોને ખૂબ નુકશાન થયું છે. આવા સમયે ખેડૂતોની પીડા સમજીને અને તેમના દુઃખમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોની વ્યથા સમજીને અને તેમની ચિંતા કરીને ઉદારતમ રાહત પેકેજ જાહેર કરવા બદલ ધારાસભએ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની સરકાર અને કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત વેળાએ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા પંચાયત, ગાંધીનગર તાલુકા પંચાયત અને દહેગામ તાલુકા પંચાયતના સદસ્યઓ, ગામના સરપંચઓ, વિવિધ આગેવાનઓ સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહીને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજને આવકાર્યું હતું.





