મહીસાગર (ગુજરાત). મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા SMC (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) અને SMDC (સ્કુલ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ કમિટી)ના સભ્યોને શાળા વિકાસમાં સહયોગી બની બાળકોના શિક્ષણમાં વિકાસ કરવા માટે તેમજ તેઓની શાળા કક્ષાએ સક્રિય ભાગીદારી થાય તે માટે પ્રોત્સાહિત કરવા તથા વિવિધ બાબતોથી માહિતગાર કરવા માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સાધી માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે વડાપ્રધાને આપેલા નવ સંકલ્પોને પાણી બચાવવા, માતાના નામે વૃક્ષ, કુદરતી ખેતી, સ્વચ્છતા, યોગ, સ્વસ્થ જીવન શૈલી વગેરેને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. આ અવસરે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર રાજ્યમાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડાની કન્યા શાળા મુખ્યમંત્રી સાથે સંવાદ કાર્યક્રમ અંગે પસંદગી પામી હતી. મુખ્યમંત્રી સાથે સંવાદ કરતાં એસએમસી સભ્ય તરલિકાબેન શુક્લએ તેમજ શાળાના આચાર્ય મહેશ પટેલે શાળાની સુવિધાઓ અને વિકાસ અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ જિલ્લા કલેકટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધ્ધાર્થ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીન શુક્લા, અગ્રણી દશરથભાઈ બારિયા, પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, SMC અને SMDCના સભ્યશ્રીઓ,શિક્ષણ વિભાગના અધિકારીઓ આચાર્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ શાળા કક્ષાએ સમગ્ર રાજયમાં એસએમસી અને એસએમડીસી સભ્યોએ નિહાળ્યું હતું.