Kolkataની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા અંગે સિયાલદહ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી સંજય રોયને દોષિત જાહેર કર્યો છે. સોમવારે સજા સંભળાવવામાં આવશે. 8-9 ઓગસ્ટ 2024ની રાત્રે મહિલા ડોક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આજે પીડિતાને ન્યાય મળ્યો. હાલમાં કોર્ટે સંજય રોયને દોષિત ગણાવ્યા છે.

આ કેસની સુનાવણી 57 દિવસ સુધી ચાલી. 2024માં ઓગસ્ટ મહિનામાં આ ઘટના બની તેના લગભગ 162 દિવસ બાદ આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. અગાઉ આ કેસની તપાસ કોલકાતા પોલીસ કરી રહી હતી. ત્યારબાદ હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ 13 ઓગસ્ટે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી અને ત્યાર બાદ તપાસ શરૂ કરી.

CBIએ 120થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. આ કેસમાં લગભગ બે મહિના સુધી કેમેરા ટ્રાયલ ચાલી હતી. આ ઘટનામાં સંજય રોયને દોષિત સાબિત કરવા માટે, સીબીઆઈના વકીલે જૈવિક પુરાવા પણ રજૂ કર્યા, જેમાં એલવીએ ઉપરાંત ડીએનએ સેમ્પલ, વિસેરા વગેરેનો સમાવેશ થાય છે. જોકે, આરોપી સંજય રોયે આજે પણ કોર્ટમાં ગુનો કબૂલ્યો ન હતો. બૂમો પાડીને કહ્યું કે હું દોષિત નથી.

પીડિતા પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી

CBIએ દાવો કર્યો હતો કે પીડિતાએ બળાત્કાર અને હત્યાના સમયે પોતાને બચાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. જેમાં તેણે સંજય રોયના શરીર પર પાંચ વખત ઇજા પહોંચાડી હતી, જે રિપોર્ટમાં સામે આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પીડિતાના શરીર પર લાળના સ્વેબ સેમ્પલ અને ડીએનએ સેમ્પલ સંજય રોય સાથે મેચ થાય છે. સીબીઆઈના વકીલે આ ઘટનાને અમાનવીયતાની હદ વટાવનારી ગણાવી છે.

તપાસ દરમિયાન, મલ્ટિ-ઇન્સ્ટિટ્યુશનલ મેડિકલ બોર્ડ દ્વારા સબમિટ કરવામાં આવેલા રિપોર્ટમાં પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે પીડિતાનું મોત મેન્યુઅલ ગળું દબાવવાથી થયું હતું. જ્યારે તાલીમાર્થી ડોક્ટરે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેના ચશ્મા તૂટી ગયા. પીડિતા પ્રત્યેની ક્રૂરતા એટલી ગંભીર હતી કે તેની આંખો, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી સતત લોહી વહી રહ્યું હતું. પીડિતાની ગરદન અને હોઠ પર ઈજાના નિશાન મળી આવ્યા હતા.

સુપ્રિમ કોર્ટે સ્વયં મોટુ સંજ્ઞાન લીધું

આ ઘટનાના મામલામાં સુપ્રીમ કોર્ટેસ્વયં મોટુ સંજ્ઞાન લીધું હતું અને દેશના ડોકટરોની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ દેશભરના ડોકટરોની સુરક્ષામાં અંતરને દૂર કરવા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.