Surat: સુરતમાં ફાયનાન્સર પર ફાયરિંગ કેસ મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. સુરત પોલીસની ટીમે આ કેસમાં 500 જેટલા CCTV અને 5 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી નેપાળથી બે મુખ્ય આરોપીઓ ગુરમુખ ઉર્ફે ક્રિપાલસિંઘ ચિકલીગર અને શુભમસિંઘ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપ સિંઘની ધરપકડ કરી છે. ઉધના સ્થિત આશીર્વાદ ટાઉનશિપના ફાયનાન્સર દીપક પવારની ઓફિસ પર ફાયરિંગ થયું હતું. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી.
ઉધના વિસ્તારમાં ફાઇનાન્સરની ઓફિસ પર થયેલી બે રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં ફરાર મુખ્ય બે આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી છે. ઉધના પોલીસની ટીમ દ્વારા અલગ અલગ રાજ્યના કુલ 500 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. જ્યારે 5 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી અંતે ફાયરિંગ કેસમાં મુખ્ય બે આરોપીઓને બિહાર ખાતેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ઝડપાયેલા મુખ્ય બે આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી ફાઇનાન્સરની બે વખત રેકી કરી હતી. પરંતુ ફાઇનાન્સરની પત્ની અને બાળકી જોડે હોવાથી પ્લાન નિષ્ફળ ગયો હતો. બિહારના મિરઝાપુર ખાતેથી આરોપીઓએ ફાઇનાન્સરની હત્યા કરવા હથિયારની ખરીદી કરી હતી. જે હથિયાર કબજે કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓ પર વર્ષ 2020 અને વર્ષ 2022માં થયેલી હત્યાનો આરોપ છે. જે કેસમાં બંને હાલ લાજપોર જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા હતા.