હવે ભારતે અમેરિકાના સિએટલ અને બેલેવ્યુમાં પણ વિઝા અને પાસપોર્ટ કેન્દ્રો શરૂ કર્યા છે. અમેરિકાના સિએટલમાં નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસના ઉદ્ઘાટન બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ પગલાથી ભારતીય સમુદાયની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. શુક્રવારે આ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્રનું સંચાલન VFS ગ્લોબલ દ્વારા કરવામાં આવે છે.

અન્ય પાંચ વર્તમાન ભારતીય કોન્સ્યુલેટ ન્યુયોર્ક, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન અને સાન ફ્રાન્સિસ્કોમાં છે. સિએટલમાં ભારતના કોન્સલ જનરલ પ્રકાશ ગુપ્તાએ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદઘાટન એ ભારત સરકારની યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કેન્દ્રનું સંચાલન ભારત સરકાર વતી VFS ગ્લોબલ દ્વારા કરવામાં આવે છે.

અરજદારોને વધુ સારી સુવિધાઓનો લાભ મળશે
VFS ગ્લોબલ એ યુએસમાં ભારત સરકાર માટે વિઝા, OCI, પાસપોર્ટ અને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ (GEP) વેરિફિકેશન સેવાઓ માટે વિશિષ્ટ સેવા પ્રદાતા છે. ગુપ્તાએ કહ્યું કે તેમને આશા છે કે તમામ અરજદારો સિએટલ અને બેલેવ્યુમાં આ નવા વિઝા અરજી કેન્દ્રો પર વધુ સારી સુવિધાઓનો લાભ મેળવી શકશે.