ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ ઈચ્છે છે કે અમે પાકિસ્તાનનું સન્માન કરીએ, પરંતુ POK ભારતનો ભાગ છે અને અમે તેને પાછું લઈ લઈશું. તેમણે કહ્યું, “શું PoK પાછું ન લેવું જોઈએ? કોંગ્રેસે વર્ષો સુધી કાશ્મીરને એક ગેરકાયદેસર બાળકની જેમ રાખ્યું. પરંતુ અમે કલમ 370 નાબૂદ કરી. ત્યાં આતંકવાદનો અંત લાવ્યો અને અમારી સરહદો સુરક્ષિત કરી. એક બાળક પણ કાશ્મીર માટે ખુશીથી પોતાનો જીવ આપી દેશે.”
વોટ બેંક તુષ્ટિકરણ માટે કોંગ્રેસ અને સપાની ટીકા કરતા અમિત શાહે કહ્યું કે આ પાર્ટીઓએ રામ મંદિરના નિર્માણમાં 70 વર્ષ વિલંબ કર્યો. તેમણે કહ્યું, “અમે તેમને મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓ તેમની વોટ બેંકના કારણે આવ્યા ન હતા. આ તેમની વોટ બેંક હતી. જેણે કાશી વિશ્વનાથ મંદિરને તોડી નાખ્યું અને મોદીજીએ તેને ફરીથી બનાવ્યું.
ગૃહમંત્રીએ લોકોને પૂછ્યું કે જો ઈન્ડિયા બ્લોક ચૂંટણી જીતશે તો તેમના વડાપ્રધાન કોણ હશે? તેમણે કહ્યું, “શું તે શરદ પવાર, મમતા, ઉધવ, સ્ટાલિન હશે કે રાહુલ બાબા? જો કોરોના પાછો આવશે તો લોકોને કોણ બચાવશે? પીએમ નરેન્દ્ર મોદીએ જ સુનિશ્ચિત કર્યું કે 130 કરોડ લોકોને રસી આપવામાં આવી. જ્યારે રસીકરણ શરૂ થયું, ત્યારે અખિલેશ યાદવે કહ્યું કે આ મોદીની રસી છે. પરંતુ પછી ચુપચાપ પોતાની પત્ની સાથે રાતના અંધારામાં રસી લેવા ગયા.”
અમિત શાહે વધુમાં કહ્યું કે, સપાના શાસનમાં જમીન માફિયા સક્રિય હતા, પરંતુ યોગી આદિત્યનાથે માફિયાઓને રાજ્યમાંથી બહાર ફેંકી દીધા છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે હંમેશા ડો. બી.આર. આંબેડકરનું અપમાન કર્યું છે. પરંતુ પીએમ મોદીએ આંબેડકર સાથે જોડાયેલી તમામ જગ્યાઓનું પુનર્નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે.