મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું: ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ આંત્રપ્રેન્યોરશીપનું સંગમ છે.
માનનીય મુખ્યમંત્રી:
• પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) રાજ્યના વિવિધ વિસ્તારોની વિશિષ્ટ ઓળખ, ઔદ્યોગિક ક્ષમતા, આર્થિક શક્યતાઓ અને સાંસ્કૃતિક વારસાને વધુ ઉજાગર કરશે.
• ગુજરાતની વિકાસયાત્રાનો આગામી પડકાર ભવિષ્ય માટે તૈયાર મેગા પ્રોજેક્ટ્સ દ્વારા આગળ વધશે.
• ‘પ્રાદેશિક આકાંક્ષા, વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા’ થીમ સાથે યોજાનારી VGRC, પ્રધાનમંત્રીજીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
• VGRC રોકાણકારોને પ્રાદેશિક ઇકોસિસ્ટમ સાથે સીધું જોડાવાનું અને સ્થાનિક MSME તથા સહાયક ઉદ્યોગોને વધુ વિકસાવાનું અવસર પૂરું પાડશે.
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, પ્રાદેશિક સંતુલિત વિકાસ અને સમાવીશક પ્રગતિનું ‘ગુજરાત મોડલ’ બનશે: શ્રી પંકજ જોષી, મુખ્ય સચિવ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ રાજ્યના વિવિધ વિસ્તારોની ઓળખ, ઔદ્યોગિક ક્ષમતા, આર્થિક વિકાસની શક્યતાઓ અને સાંસ્કૃતિક વારસાને વધુ વ્યાપક સ્તરે ઉજાગર કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના પ્રચાર માટે નવી દિલ્હી ખાતે અગ્રણી ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી ચર્ચાસભા અને રોડ શોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષપદે સંબોધન કરતા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ આંત્રપ્રેન્યોરશીપનું અનોખું સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણાથી શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા દેશના વિકાસનું “ગ્રોથ એન્જિન” બની ચૂક્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2003 માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆતનો પ્રધાનમંત્રીએ આપેલો વિચાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થયો છે.
આગળ કહ્યું કે આ સમિટની બે દાયકાની સફળતા પરિણામે ગુજરાત આજે દેશનું સૌથી ઔદ્યોગિકીકૃત અને શહેરીકરણ થયેલું રાજ્ય બનીને રોકાણકારો માટે “મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન” બની ગયું છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ સર્વસમાવેશક અને દરેક વ્યક્તિ-દરેક વિસ્તાર સુધી પહોંચે તેવો વિકાસનો વિઝન આપ્યો છે. આ વિઝનને સાકાર કરવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક અને આર્થિક વિકાસને ગતિ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ શરૂ કરવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોનું ઉત્પાદન અને આઉટપુટ દેશના અનેક રાજ્યોના ઔદ્યોગિક આઉટપુટ કરતાં વધુ છે. આ રીજનલ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સેક્ટર સ્પેસિફિક રોકાણના નવા અવસર ખુલી શકશે અને ભવિષ્યલક્ષી વિકાસને નવી દિશા મળશે.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક જેવા વિશિષ્ટ ઔદ્યોગિક પાર્કના વિકાસ વિશે પણ જણાવ્યું. તેમણે આગળ કહ્યું કે ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, સેમિકોન, ગ્રીનફીલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઈઓએ લઈ જશે.
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દ્વારા રોકાણકારોને પ્રાદેશિક ઇકોસિસ્ટમ સાથે સીધું જોડાવાનો અવસર મળશે તેમજ MSME અને સહાયક ઉદ્યોગોને વિકાસનો નવો મોકો મળશે. સાથે જ, ટ્રેડ શો, પ્રદર્શન અને સેક્ટર સ્પેસિફિક સેમિનારો દ્વારા પ્રાદેશિક પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તક મળશે.
મુખ્યમંત્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું કે ‘પ્રાદેશિક આકાંક્ષા – વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા’ થીમ સાથે યોજાનાર આ આયોજન વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ના સંકલ્પને સાકાર કરશે તેમજ “વિકસિત ગુજરાત @2047” માટે રાજ્યની અર્થવ્યવસ્થાને 3.5 ટ્રિલિયન અમેરિકન ડોલરની બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવતા 9-10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં યોજાનારી પ્રથમ રીજનલ કોન્ફરન્સ તથા ત્યારબાદ રાજ્યના અન્ય ત્રણ વિસ્તારોમાં યોજાનારી VGRC માં સક્રિય ભાગીદારી આપવા ઉદ્યોગજગતના આગેવાનોને આમંત્રણ આપ્યું.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ જણાવ્યું કે વર્ષ 2003 થી શરૂ થયેલી સમિટ હવે નીતિ, ભાગીદારી અને રોકાણનું સશક્ત મંચ બની ગઈ છે અને “વિકસિત ગુજરાત @2047” દ્વારા “વિકસિત ભારત @2047”ના વિઝનને સાકાર કરવામાં મોટી ભૂમિકા ભજવશે.
ભારત સરકારના DPIIT ના સચિવ શ્રી અમરદીપસિંહ ભાટિયાએ જણાવ્યું કે VGRC થી ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં નવી ઇન્ડસ્ટ્રીઝ ઉભી થશે તેમજ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે.
ઉદ્યોગ અને ખનન વિભાગની પ્રધાન સચિવ શ્રીમતી મમતા વર્માએ સ્વાગત કર્યું અને ઉદ્યોગ આયોગના કમિશનર શ્રી પી. સ્વરૂપે VGRCના હેતુઓ અને રાજ્યની ઔદ્યોગિક યાત્રા પર પ્રેઝન્ટેશન આપ્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રીના અપર મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારના સચિવગણ, CM ની અપર પ્રધાન સચિવ શ્રીમતી અવંતિકા સિંહ, FICCI પ્રમુખ શ્રી હર્ષવર્ધન અગ્રવાલ, હેસ્ટર બાયોસાયન્સીસના CEO શ્રી રાજીવ ગાંધી તથા અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા.