રીલ્સ બનાવતી વખતે મૃત્યુ : સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. કેટલાક લોકો નિયમોનું પાલન કરીને રીલ બનાવે છે તો કેટલાક પોતાનો જીવ જોખમમાં મુકવા પણ તૈયાર હોય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના કોટાથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 22 વર્ષીય યુવક ચાની દુકાન પર દેશી બનાવટની પિસ્તોલ સાથે રીલ બનાવી રહ્યો હતો, પરંતુ અચાનક ટ્રિગર દબાઈ ગયું અને ગોળી તેની છાતીમાં વાગી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું કે કોટામાં એક 22 વર્ષીય યુવક તેના મિત્ર સાથે ચાની દુકાન પર હાથમાં દેશી બનાવટની પિસ્તોલ લઈને રીલ બનાવી રહ્યો હતો. તે જ સમયે, જ્યારે ટ્રિગર દબાવ્યું, ત્યારે ગોળી તેની છાતીમાં વાગી, જેના કારણે યુવકનું મોત નીપજ્યું. મૃતકની ઓળખ ઝાલાવાડ જિલ્લાના રહેવાસી યશવંત નાગર તરીકે થઈ છે, જે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો અને કોટામાં રહેતો હતો.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે નાગર મહાવીર નગર એક્સટેન્શનમાં મહર્ષિ ગૌતમ ભવન પાસે એક ચાની દુકાન પર દેશી બનાવટની પિસ્તોલથી વીડિયો બનાવી રહ્યો હતો. ડીએસપી મનીષ શર્માએ જણાવ્યું કે, “યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું.”
તેમણે કહ્યું કે ગોળી કોણે ચલાવી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે, એવું લાગે છે કે જ્યારે ફાયરિંગ થયું ત્યારે નાગર રીલ બનાવી રહ્યો હતો. ડીએસપીએ કહ્યું કે મૃતક પાસે બંદૂક કેવી રીતે આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેણે જણાવ્યું કે નાગરના મૃતદેહને તેના પરિવારના સભ્યોના આગમન બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.