રાજ્ય સહિત જિલ્લાભરમાં આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે આ મિશ્ર ઋતુમાં બીમારીઓથી બચવા બાળકોથી લઇ વડીલો સુધી દરેકે નાની નાની બાબતો પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે.

શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ.

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું, બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો ટાળવું જોઇએ.

લૂ થી બચવા આટલું કરો

હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી માહિતી મેળવો. વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.