ભારતીય છોકરી હર્ષિતા બ્રેલા 14 નવેમ્બરના રોજ Britainમાં મૃત હાલતમાં મળી આવી હતી. મામલો પેચીદો રહ્યો કે તે આત્મહત્યા છે કે હત્યા? હવે આ મામલે નવી માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ હર્ષિતા બ્રેલાએ તેના મૃત્યુના થોડા દિવસો પહેલા તેના પરિવારને ચેતવણી આપી હતી કે તેનો પતિ તેને મારી નાખશે.

હર્ષિતાની માતા સુદેશ કુમારી કહે છે કે હર્ષિતાએ તેને કહ્યું હતું કે હવે હું તેની પાસે પાછી નહીં આવી શકું. તે મારું જીવન બરબાદ કરી રહ્યો છે અને મને મારી નાખશે. હર્ષિતા બ્રેલાના મૃત્યુના કેસમાં તેના પતિને મુખ્ય શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે અને હવે તેના પતિ પંકજ લાંબા ભારતમાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સ્થાનિક પોલીસ મદદ કરી રહી નથી
હર્ષિતાના પરિવારનું કહેવું છે કે આરોપી પંકજ લાંબા ભારતમાં છે અને સ્થાનિક પોલીસ તેમની મદદ કરી રહી નથી. તેને પકડી રહી નથી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે બ્રિટિશ અધિકારીઓએ હજુ સુધી આ મામલે તેમની મદદ લીધી નથી.

સપ્ટેમ્બરમાં ઘરેલુ હિંસા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
પીડિતાના પિતા સતબીર બ્રેલાએ લાંબા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા કહ્યું, ‘મારી પુત્રીએ કહ્યું હતું કે પંકજે તેને ખૂબ માર માર્યો હતો. તેને રસ્તા પર ઢસડીને માર મારવામાં આવ્યો હતો. મારી દીકરી ખૂબ રડતી હતી. આ પછી 10 નવેમ્બરે 24 વર્ષીય હર્ષિતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને 14 નવેમ્બરે કારના ડેકીમાંથી તેની લાશ મળી આવી હતી.

આ ઘટના પહેલા પંકજા લાંબાની 3 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 2 દિવસ પછી જામીન પર છૂટ્યા બાદ તેમના પર ઘરેલુ હિંસા સંરક્ષણ આદેશ લાદવામાં આવ્યો હતો. જેમાં તેને હર્ષિતાને હેરાન કરવા કે ધમકાવવાની મનાઈ હતી અને પોલીસ દ્વારા ખર્ચ પેટે 480 પાઉન્ડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.