Terrorists in Pakistan’s Punjab : પાકિસ્તાની સુરક્ષા દળોએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને બાતમી મળી હતી જેના પછી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની પોલીસે જણાવ્યું હતું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, ત્યારબાદ કાયદા અમલીકરણ એજન્સીઓએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.
આતંકીઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી
પાકિસ્તાની પોલીસ પ્રવક્તાએ કહ્યું કે 10 થી 15 આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્તચર અહેવાલ મળ્યો હતો. બાતમી મળ્યા બાદ મિયાંવાલી શહેરના પહાડી માલાખેલ વિસ્તારમાં એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. પ્રવક્તાએ કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન 10 આતંકવાદીઓ માર્યા ગયા.
ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો
દરમિયાન, અત્રે એ પણ જણાવી દઈએ કે ગુરુવારે પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 20થી વધુ ઘાયલ થયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દરબન વિસ્તારમાં ચેકપોસ્ટ પર હુમલા બાદ થયેલા ફાયરિંગમાં સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.