અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તામાં વાપસી બાદથી દેશના અન્ય દેશો સાથેના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. આમાં Pakistan પણ સામેલ છે, કારણ કે તાલિબાન વાપસી બાદથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યા બાદ પાકિસ્તાનમાં આતંકી હુમલાના મામલા વધી ગયા છે. તેના જવાબમાં પાકિસ્તાને પણ મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓને દેશમાંથી બહાર કાઢવાનું કામ શરૂ કર્યું. સમયની સાથે બંને દેશો વચ્ચેના સંબંધો વણસતા જાય છે. આ દરમિયાન મંગળવારે કંઈક એવું બન્યું જેણે બંને દેશો વચ્ચે તણાવમાં વધારો કર્યો. પાકિસ્તાની સેનાએ મંગળવારે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો જેમાં 46 લોકો માર્યા ગયા. આ હવાઈ હુમલામાં 6 લોકો ઘાયલ પણ થયા છે. તાલિબાન સરકારે આ હવાઈ હુમલાની સખત નિંદા કરી હતી અને હવે આ મામલે પ્રથમ કાર્યવાહી કરી છે.
પાકિસ્તાની રાજદૂતને બોલાવવામાં આવ્યા
મળતી માહિતી મુજબ પાકિસ્તાની હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના શિન સ્ટારગી બેઝ, સોરઝાઘમી, અલમસ્તી અને મરઘાઈ વિસ્તારોમાં ટીટીપી (તહેરીક-એ તાલિબાન પાકિસ્તાન)ની જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રાલયે રાજધાની કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસના પ્રભારીને બોલાવીને તેમની પાસેથી આ મામલે જવાબ માંગ્યો હતો.