NEET-UG 2024માં ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું- જેમના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે તેમને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો વિકલ્પ આપવામાં આવશે.

NEET-UG 2024 પરિણામને પડકારતી ત્રણ અરજીઓ પર આજે (13 જૂન) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. 4 જૂને પરિણામ જાહેર થયા બાદ આ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં એવીમાંગણી કરવામાં આવી છે કે પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ SIT-એક્સપર્ટ કમિટી દ્વારા કરવામાં આવે. તેમજ 4 જૂનના પરિણામના આધારે જે કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવું જોઈએ. 5 મેના રોજ લેવાયેલી NEET પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવે. NTAએ 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપ્યા છે, જેના પર સવાલો ઉભા થયા છે.

અગાઉ 11 જૂને સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને અન્ય 9 વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરી હતી. પરિણામની જાહેરાત પહેલા 1 જૂનના રોજ ફાઇલ કરવામાં આવી હતી. ઉમેદવારોએ બિહાર અને રાજસ્થાનના પરીક્ષા કેન્દ્રો પર ખોટા પ્રશ્નપત્રોના વિતરણને કારણે અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી અને પરીક્ષા રદ કરવા અને SIT તપાસની માંગ કરી હતી.

જો કે, SC એ NEET કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને NTAને નોટિસ જારી કરી હતી. કોર્ટે NEET-UG 2024માં પેપર લીક, ગ્રેસ માર્કિંગ અને અન્ય અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. અમાનુલ્લાની બેન્ચે કહ્યું હતું કે પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે, અમને જવાબ જોઈએ છે. નોટિસમાં બેન્ચે કેન્દ્ર અને પરીક્ષા આયોજક એજન્સી NTA પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. સાથે જ NTAએ કહ્યું છે કે પરીક્ષા સાચી છે.