IPLની 17મી સિઝન તેની ટોચ પર પહોંચી રહી છે. રવિવાર આ સિઝનનો છેલ્લો ડબલ હેડર હશે. પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે જ્યારે બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. હૈદરાબાદ અને પંજાબ મેચ પહેલા પંજાબ કિંગ્સના ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. આ મેચમાં શિખર ધવન અને સેમ કુરન નહીં, જીતેશ શર્મા ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે.

પંજાબનો પ્રવાસ પૂરો થઈ ચૂક્યો છે

વાસ્તવમાં પંજાબ કિંગ્સ માટે આ સિઝન કંઈ ખાસ રહી નથી. 13 મેચમાં આઠ પરાજય સાથે, ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમના ખાતામાં 10 પોઈન્ટ છે. પંજાબ લીગ તબક્કાની તેની છેલ્લી મેચ 19 મેના રોજ રમશે. પંજાબ કિંગ્સ આ મેચને જીત સાથે સમાપ્ત કરવા માંગે છે. તે જ સમયે, સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે.

પંજાબ એક સિઝનમાં ત્રીજા કેપ્ટનને અજમાવશે

IPL 2024ની 69મી મેચ પહેલા પંજાબ કિંગ્સે મોટો નિર્ણય લીધો છે અને જીતેશ શર્માને કેપ્ટનશિપ સોંપી છે. વાસ્તવમાં, શિખર ધવન ઘાયલ થયા પછી, સેમ કુરન ટીમની આગેવાની કરતો જોવા મળ્યો હતો. જોકે હવે તે ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. આવી સ્થિતિમાં વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા હવે આ સિઝનમાં ત્રીજા કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.

જીતેશ કઈ ખાસ ઉકાળી શક્યો નથી

IPLની આ સિઝન જીતેશ માટે કંઈ ખાસ ન હતી. 13 મેચમાં તેણે 122.05ના સ્ટ્રાઈક રેટથી માત્ર 155 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેણે પોતાના બેટથી એકપણ અડધી સદી ફટકારી નથી. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ટીમ મેનેજમેન્ટે શિખર ધવનની જગ્યાએ જીતેશને ફોટોશૂટ માટે મોકલ્યો હતો. માનવામાં આવી રહ્યું હતું કે તે આ સિઝનમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. જો કે, ધવનની ગેરહાજરીમાં સેમ કુરનને સુકાનીપદ સંભાળતા જોઈને બધા ચોંકી ગયા હતા.