ચંદીગઢ: હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરન કુમાર મંગળવારે ચંદીગઢમાં આવેલા સરકારી નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

2001 બેચના IPS અધિકારી પૂરન કુમાર ADGP રેન્કના અધિકારી હતા અને સુનારિયા ખાતેના પોલીસ તાલીમ કેન્દ્રના નિરીક્ષક હતા. સેક્ટર-11માં આવેલા તેમના નિવાસસ્થાને મંગળવારે બપોરે તેમની પુત્રીને બેસમેન્ટમાંથી ગોળી ચલાવવાનો અવાજ સંભળાયો. જોઈ તો પૂરન લોહીથી લથબથ થઈને ફ્લોર પર પડેલા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમણે નવ પાનાંનો સુસાઈડ નોટ લખ્યો છે.
પૂરન કુમારે ગયા વર્ષે ‘એક અધિકારી-એક ઘર’ નીતિ હેઠળ ફરિયાદ કરીને અનેક અધિકારીઓ પર એકથી વધુ સરકારી નિવાસસ્થાન ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે હરિયાણામાં IPS અધિકારીઓની બઢતી પર સવાલ ઉઠાવ્યા હતા અને ભૂતપૂર્વ DGP તેમજ અપર મુખ્ય સચિવ પર જાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.
પત્ની આજે જાપાનથી પરત ફરશે
પૂરનના પત્ની અમનીત પી. કુમાર 2001 બેચના IAS અધિકારી છે અને હરિયાણા સરકારના વિદેશ સહયોગ વિભાગના કમિશનર અને સચિવ છે. તેઓ મુખ્યમંત્રી નાયબ સૈની સાથે જાપાન ગયેલા એક પ્રતિનિધિમંડળનો ભાગ છે. આ પ્રતિનિધિમંડળ બુધવારે સાંજે દિલ્હી પરત ફરશે.