Russia: તાજેતરમાં રશિયાએ જણાવ્યું હતું કે તેણે છેલ્લા ત્રણ દિવસમાં દેશભરમાં ઓછામાં ઓછા 485 ડ્રોન હુમલાઓનો સામનો કર્યો છે. ફક્ત મોસ્કો અને તેની આસપાસના વિસ્તારોમાં જ 63 ડ્રોન હુમલાના પ્રયાસો થયા હતા. ભારતીય પ્રતિનિધિમંડળ મોસ્કો પહોંચે તે પહેલાં પણ પણ આ જ સ્થિતિ ચાલુ રહી હતી. કલાકો સુધી અહીં ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેના લીધે એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. 

આ કારણે, ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળને રશિયા લઈ જતી ફ્લાઇટને કલાકો સુધી હવામાં ચક્કર લગાવવું પડ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન હુમલાને કારણે એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. ઘણા વિલંબ પછી વિમાનને સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડીએમકે સાંસદ કનિમોઝી કરી રહ્યા છે. રશિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ એરપોર્ટ પર સર્વપક્ષીય સાંસદોના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને તેમને સુરક્ષિત રીતે તેમની હોટલમાં લઈ ગયા હતા. કનિમોઝી રશિયા, સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા અને લાતવિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળ પહેલગામ હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ તાજેતરમાં શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપશે.