લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ કેન્દ્રમાં નવી સરકાર રચવાને લઈ કવાયતો શરૂ થઈ ગઈ છે. બિહારના પટનાથી લઈ દિલ્હી સુધી સતત બેઠકોની દોર ચાલી રહ્યો છે. આ તરફ આજે સાંજે દિલ્હીમાં યોજાનારી બેઠક પહેલા પટનામાં CM નીતિશ કુમારના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં LJP રામવિલાસ પાર્ટીના ચિરાગ પાસવાન સહિત JDUના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારને પણ ઓફર મળવા લાગી છે.
RJD નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, નીતિશ કુમારે કડક નિર્ણય લેવો જોઈએ. સિદ્દીકીએ કહ્યું કે, CM નીતિશ કુમારે ભાજપને રોકવા માટે સાથે આવવું જોઈએ. આ દરમિયાન તેજસ્વી યાદવનું પણ નિવેદન સામે આવ્યું છે તેજસ્વી યાદવે કહ્યું છે કે ભાજપ બહુમતથી દૂર થઈ ગઈ છે. INDIA ગઠબંધન સરકાર બનાવવાની પહેલ કરવી જોઈએ.
ગઈકાલે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સરકાર બનાવવાના સવાલ પર કોઈ નક્કર જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે પહેલા હું ગઠબંધનના તમામ પક્ષો સાથે વાત કરીશ, ત્યારબાદ જ હું કંઈક કહી શકીશ. પરંતુ આજે તેજસ્વી યાદવે સરકાર બનાવવાની વાત કરી હતી. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે અમારું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. INDIA ગઠબંધનને રામના આશીર્વાદ મળ્યા છે. ભાજપ બહુમતીથી દૂર થઈ ગઈ છે. હવે આધાર કોણ છે તેના પર છે. અમને ખુશી છે કે, અમે અમારા પ્રયત્નોમાં સફળ રહ્યા છીએ. અમારી આશા છે કે જે પણ નવી સરકાર બને તે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપે.
નીતીશના ઘરે યોજાયેલી બેઠક બાદ ચિરાગ પાસવાને કહ્યું કે, જનતાએ NDAને જનાદેશ આપ્યો છે. CM નીતિશ કુમારે અમારા ગઠબંધનને મજબૂત કરવાનું કામ કર્યું છે અને એક તરફ બિહારમાં NDAના પ્રદર્શનનો ઘણો શ્રેય PM મોદીને જાય છે તો બીજી તરફ મારા મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ જાય છે. આજે હું અને મારી પાર્ટીના તમામ સાંસદો તેમને મળ્યા અને તેમનો આભાર માની તેમને અભિનંદન આપ્યા અને તેમના આશીર્વાદ લેવા આવ્યા. મુખ્યમંત્રીએ પણ તેમને હૃદયપૂર્વક અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા. અમે બધા આજે આગામી સરકાર બનાવવા માટે દિલ્હી જઈ રહ્યા છીએ.