Wayanad Landslide: વાયનાડમાં લેન્ડ સ્લાઈડની ઘટના બાદ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પર્યાવરણ મંત્રાલયે વાયનાડ સહિત પશ્ચિમ ઘાટના 59,940 કિમી ચોરસ વિસ્તારને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કરવા માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન ફરીથી જારી કર્યું છે. આ સૂચના અનુસાર 6 રાજ્યોમાં ફેલાયેલા પશ્ચિમ ઘાટને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર જાહેર કરવામાં આવશે. વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં 300થી વધુ લોકોના મોત થયા છે.

જો કેન્દ્ર સરકારની આ દરખાસ્ત લાગુ કરવામાં આવે છે, તો પશ્ચિમ ઘાટના 59,940 કિમી વિસ્તારમાં ખાણકામ, રેતી ખનન, થર્મલ પાવર પ્લાન્ટ અને પ્રદૂષિત ઉદ્યોગો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આ સાથે આ વિસ્તારમાં નવા બાંધકામ પ્રોજેક્ટ અને ટાઉનશીપના વિકાસ પર પ્રતિબંધ રહેશે. હવે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુએ આ પ્રસ્તાવનો જવાબ આપવાનો છે. આ રાજ્યોનો પ્રતિભાવ ડ્રાફ્ટનું ભવિષ્ય નક્કી કરશે.

બીજી તરફ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાયનાડની બે દિવસીય મુલાકાતેથી પરત ફર્યા છે. બંને નેતાઓ વાયનાડમાં વિનાશ બાદ જમીની સ્થિતિનો તાગ મેળવવા અને લોકોના દુઃખને શેર કરવા આવ્યા હતા. વાયનાડમાં લેન્ડ સ્લાઈડની ઘટનામાં 308 લોકોના મોત થયા છે.

હિમાચલ પ્રદેશમાં 53 લોકો ગુમ
હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના સમેજ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિશેષ સચિવ ડીસી રાણાએ જણાવ્યું કે શિમલાની સાથે કુલ્લુના રામપુર વિસ્તારમાં અને મંડીના પદ્દાર વિસ્તારમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. કુલ 53 લોકો ગુમ છે, જ્યારે 6 મૃતદેહ મળી આવ્યા છે. વરસાદના કારણે આવેલા પૂરમાં 60 મકાનો ધોવાઈ ગયા છે. અનેક ગામો પૂરથી પ્રભાવિત છે. NDRF અને SDRF રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. લાહૌલ સ્પીતિમાં પણ અચાનક પૂરમાં એક મહિલાના ધોવાઈ જવાના અહેવાલ છે, જ્યારે એક વાહન કાટમાળ નીચે દટાઈ ગયું છે.

ઝારખંડમાં ભારે વરસાદની આગાહી, રજા જાહેર
હવામાન વિભાગે આજે ઝારખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિસ્તારમાં હળવો વરસાદ ચાલુ છે. રાંચીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યની શાળાઓમાં રજા જાહેર કરી છે. 3 ઓગસ્ટે ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

બિહારમાં વીજળી પડવાથી 8ના મોત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટના, ઔરંગાબાદ, નવાદા અને સારણમાં વીજળી પડવાથી 8 લોકોના મોતના મામલામાં વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાનમાં સાવચેત રહેવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે વીજળી પડવાથી પટનામાં 3, ઔરંગાબાદમાં 3, નવાદામાં 1 અને સારણમાં 1 લોકોના મોત થયા છે.