Bangladeshની યુનુસ સરકાર અત્યાર સુધી દેશને પાટા પર લાવવામાં નિષ્ફળ રહી છે. ચીન, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશો સાથે સંબંધો ગાઢ બનાવવા ઉત્સુક મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની અંદર પોતાના જ દેશવાસીઓની સમસ્યાઓ હલ કરી શકતા નથી. રેલવે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાથી મંગળવારે દેશભરમાં ટ્રેન સેવાઓ ઠપ થઈ ગઈ હતી.
Bangladesh રેલ્વે રનિંગ સ્ટાફ એન્ડ વર્કર્સ એસોસિએશન પેન્શન અને ગ્રેચ્યુટી લાભો સંબંધિત સમસ્યાઓને કારણે હડતાળ પર છે, અને માંગણી કરે છે કે તેમના મૂળ પગારની સાથે રનિંગ એલાઉન્સ પણ સામેલ કરવામાં આવે. હડતાળને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આજે સવારથી જ દેશભરના રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડ જોવા મળી હતી, જેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા.
શા માટે કામદારો હડતાળ કરી રહ્યા છે?
બાંગ્લાદેશ રેલવે રનિંગ સ્ટાફ એન્ડ વર્કર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી મોહમ્મદ મુજીબુર રહેમાને જણાવ્યું હતું કે, “અમે રનિંગ સ્ટાફ અડધી રાતથી હડતાળ પર છીએ. પરિણામે, દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે, અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.
નિયમો મુજબ, રનિંગ સ્ટાફ મેમ્બર તેના હેડક્વાર્ટર પર પાછા ફરવા પર 12 કલાકનો આરામ અથવા બહાર તૈનાત હોય તો 8 કલાક આરામનો હકદાર છે. જો રેલ્વે કામગીરીના લાભ માટે આરામના કલાકો દરમિયાન કામ કરવું જરૂરી હોય, તો અમને અમારા સમય માટે ચૂકવણી કરવામાં આવે છે. જો કે, નાણા મંત્રાલયના વાંધાને કારણે રનિંગ સ્ટાફને આ નાણાંથી વંચિત રાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે, જે વિવાદના મુખ્ય મુદ્દાઓમાંનો એક છે.
ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
બાંગ્લાદેશમાં રાત્રે 1 વાગ્યાથી કોઈ ટ્રેન દોડી નથી, જેના કારણે મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, રેલવેએ માહિતી આપી છે કે જે મુસાફરોની ટિકિટ બુક કરવામાં આવી છે તેમના પૈસા પરત કરવામાં આવશે.