Rahul Gandhi: મુઝફ્ફરપુર જિલ્લાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસ રાહુલ ગાંધી દ્વારા છઠ તહેવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણી સાથે સંબંધિત છે. એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ બુધવારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે કેસ સ્વીકાર્યો અને સુનાવણીની તારીખ 11 નવેમ્બર, 2025 નક્કી કરી.
એડવોકેટ ઓઝાએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભા ચૂંટણીના ભાગ રૂપે મુઝફ્ફરપુરમાં એક જાહેર સભા દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય હિન્દુ તહેવાર છઠ તહેવાર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે વડા પ્રધાન મોદી વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.
આ ફરિયાદ ભારતીય દંડ સંહિતા (IPC), 2023 ની કલમ 298, 356(2), 352 અને 353 હેઠળ દાખલ કરવામાં આવી છે. ઓઝાએ કહ્યું, “છઠ અમારા આસ્થાનો તહેવાર છે. અમે વડા પ્રધાન વિશે ખોટા નિવેદનો અને અયોગ્ય ટિપ્પણીઓ અંગે કોર્ટનો આશરો લીધો છે. કોર્ટે કેસ સ્વીકાર્યો અને 11 નવેમ્બરની સુનાવણીની તારીખ નક્કી કરી.”





