PM of New Zealand : ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટના સંસદ ભવનની ખૂબ નજીક બની હતી અને જ્યારે અકસ્માત થયો ત્યારે પીએમ લક્સન તેમની કારની અંદર હાજર હતા.

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનની કારને વેલિંગ્ટનમાં અકસ્માત નડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની કાર પોલીસકર્મીઓની કાર સાથે અથડાઈ હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે કારની અંદર વડાપ્રધાન લક્સન પણ હાજર હતા. મળતી માહિતી મુજબ પીએમ લક્સન અને નાણા મંત્રી નિકોલા વિલિસ સરકારી લિમોઝીન કારમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ પોલીસની કાર પાછળથી તેની કાર અથડાઈ હતી. જેના કારણે લિમોઝીનના પાછળના ભાગને નુકસાન થયું હતું. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.

ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનના મુખ્ય એરપોર્ટ રોડ પર બુધવારે બપોરે આ અકસ્માત થયો હતો, જ્યાં સંસદ આવેલી છે. જો કે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ લક્સનનો આબાદ બચાવ થયો હતો કારણ કે અકસ્માતને નાનો ગણાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પોલીસે અથડામણની તપાસ શરૂ કરી છે. ન્યૂઝીલેન્ડનું ગૃહ મંત્રાલય સત્તાવાર વાહનોનું સંચાલન કરે છે.

પીએમની કારને નુકસાન થયું હતું

 ગૃહ મંત્રાલયે કહ્યું કે આ દુર્ઘટનામાં ‘લિમોઝીન’ કારના પાછળના ભાગને નુકસાન થયું છે. આ અચાનક કાર અકસ્માતથી વડાપ્રધાન પણ ચોંકી ગયા છે. પીએમ લક્સને ગુરુવારે ઓકલેન્ડમાં પત્રકારોને જણાવ્યું હતું કે ક્રેશ “થોડો આઘાતજનક” હતો. વડા પ્રધાને કહ્યું કે તેઓ “સારું” છે અને કારને સેવામાંથી બહાર કાઢવામાં આવશે કે કેમ તે ખબર નથી.