વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.. કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે રાજનાથ સિંહ, અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં માતા હીરાબાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદી તેમનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મારી માતા વિના આ મારી પ્રથમ ચૂંટણી છે, પરંતુ આ દેશની દરેક મહિલા અને પુત્રીએ મને તે ખોટ વર્તાવા દીધી નથી.
પીએમ મોદીએ મંચ પરથી કહ્યું કે દેશના ઈતિહાસમાં મહિલાઓ દ્વારા પડેલા વોટનો રેકોર્ડ તૂટી ગયો છે. હું તેને શબ્દોમાં સમજાવી શકતો નથી. દેશની લાખો માતાઓ અને બહેનોએ મને નવી પ્રેરણા આપી છે. રાષ્ટ્રની ભાવના સૌપ્રથમ આપણને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે હિંમત આપે છે. અમે વિશ્વની સૌથી મોટી લોક કલ્યાણ યોજનાઓ ચલાવી છે. આઝાદીના 70 વર્ષ બાદ 12 કરોડ લોકોને નળનું પાણી મળ્યું છે.
તેમણે કહ્યું કે હું દેશના ખૂણે ખૂણે હાજર ભાજપના કાર્યકરોને કહીશ કે તમારી મહેનત અને તમે આટલી ગરમીમાં વહાવેલો પરસેવો મોદીને સતત કામ કરવાની પ્રેરણા આપે છે. હું દેશવાસીઓને ફરી કહેવા માંગુ છું કે જો તમે 10 કલાક કામ કરશો તો મોદી 18 કલાક કામ કરશે. તમે એક પગલું ભરશો, મોદી ચાર પગલાં ભરશે. ત્રીજા કાર્યકાળમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે. આ મોદીની ગેરંટી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ છે અને આ શુભ દિવસે NDA ત્રીજી વખત સરકાર બનાવશે. અમે સૌ જનતાના આભારી છીએ. આજની જીત વિશ્વની સૌથી મોટી લોકશાહીની જીત છે. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મતદારોએ આ ચૂંટણીમાં રેકોર્ડ મતદાન કરીને અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો છે અને વિશ્વભરમાં ભારતને બદનામ કરનારી શક્તિઓને અરીસો બતાવ્યો છે.